Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કાલથી 'મિશન મંગલ' અને 'બાટલા હાઉસ' રિલીઝ

દેશની બે મહત્વની ઘટનાઓ નિહાળવા મળશે ફિલ્મી પરદે

આવતી કાલે ગુરૂવારથી બે ફિલ્મો 'મિશન મંગલ' અને 'બાટલા હાઉસ' રિલીઝ થઇ રહી છે.

નિર્માતા કેપ ઓફ ગૂડ ફિલ્મ્સ, હોપ પ્રોડકશન અને ફોકસ સ્ટાર સ્ટુડિયોઝ તથા અરૂણા ભાટીયા અને અનિલ નાયુડ તથા નિર્દેશક જગન શકિતની ફિલ્મ 'મિશન મંગલ'ની કહાની આર. બાલ્કી, જગન, નિધી સિંઘ અને સાકેત કોન્ડીપરથીએ લખી છે. ફિલ્મમાં સંગીત અમિત ત્રિવેદીનું છે. ૧૨૭ મિનીટની લંબાઇ ધરાવતી આ ફિલ્મ ૭૦ કરોડના બજેટમાં તૈયાર થઇ છે.

ફિલ્મમાં  અક્ષય કુમાર, વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નુ, કિર્તી કુલ્હારી, શરમન જોષી, એચ. જી. દત્તાચાર્ય, સંજય કપૂર, દાલિત તાહિલ, વિક્રમ ગોખલે, મોહમ્મદ જેશાન અયુબની મુખ્ય ભૂમિકા છે.

કહાની જોઇએ તો ભારતની અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઇસરો)ના વૈજ્ઞાનિકો દ્વારા ભારતના પ્રથમ અંતરિક્ષ મિશન અંતર્ગત મંગળ યાનનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. એ સમગ્ર ઘટનાને હવે ફિલ્મી પરદે ઉતારવામાં આવી છે. ઇસરોની આ ખુબ મહાત્વાકાંક્ષી યોજના હતી. ૫ નવેમ્બર-૨૦૧૩ના ૨:૩૮ કલાકે મંગળ ગ્રહની પરિક્રમા માટે ઉપગ્રહ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી) સી-૨૫ સફળતા પુર્વક છોડવામાં આવ્યો હતો. આ અભિયાન સફળ રહ્યું હતું. ખુબ ઓછા સાધનો હોવા છતાં ભારતીય વૈજ્ઞાનિકોએ ઇતિહાસ રચ્યો હતો.

બીજી ફિલ્મ 'બાટલા હાઉસ'ના નિર્માતા  ભુષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, કિશન કુમાર, મોહનીશા અડવાણી, મધુ ભોજવાણી, જોન અબ્રાહમ અને સંદીપ લેયઝેલ તથા નિર્દેશક નિખિલ અડવાણી છે. ફિલ્મનું લેખન રિતેશ શાહે કર્યુ છે. સંગીત રોચક કોહલી, તનિષ્ક બાગચી અને અંકિત તિવારીનું છે.  ૧૪૬ મિનીટની લંબાઇ ધરાવતી આ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે.

ફિલ્મમાં જોન અબ્રાહમ ડીસીપી સંજીવકુમાર યાદવના રોલમાં છે. સાથે મૃણાલ ઠાકુર સંજીવકુમારના પત્નિ નંદિતાના રોલમાં છે. રવિ કિશન, મનિષ ચોૈધરી, રાજેશ શર્મા, સોનમ અરોરા, શાહીદુર રહેમાન, ક્રાંતિ પ્રકાશ ઝા, આલોક પાંડે, ફૈઝાન ખાન, નિરંજન, ચિરાગ કથરેચા, યલ્તાર્થ કાંસલની ભુમિકા છે. નોરા ફતેહી આઇટમ સોંગ ઓ સાકી સાકી...માં જોવા મળશે. થ્રિલર ડ્રામા પ્રકારની આ ફિલ્મ દિલ્હીમાં થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર પરથી આધારીત છે. આ ફિલ્મનું શુટીંગ સતત ૫૦ દિવસ સુધી દિલ્હી, જયપુર, લખનોૈ, મુંબઇ અને નેપાળમાં કરવામાં આવ્યું હતું. ૨૦૦૮ની ૧૯મી સપ્ટેમ્બરે દિલ્હીના જામીયાનગના બાટલા હાઉસમાં ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકીઓ ઘુસી ગયા હતાં. તેની સાથેની જબરદસ્ત અથડામણ અને બે આતંકી માર્યા ગયાની અને એક પકડાઇ ગયાની દિલધડક સત્ય ઘટના ફિલ્મી પરદે જોવા મળશે. દિલ્હીના પોલીસ અધિકારી મોહનચંદ શર્મા એ ઘટનામાં શહિદ થયા હતાં. રાજકીય અને સામાજીક સંગઠનોએ જે તે વખતે આ એન્કાઉન્ટર ખોટુ હોવાની ખુબ કાગારોળ મચાવી હતી. જો કે અદાલતે આ એન્કાઉન્ટરને સત્ય ઠેરાવી પકડાયેલા આતંકીને સજા ફટકારી હતી.

(10:02 am IST)