Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

અમિતાભ બચ્ચન અને આયુષ્યમાનની 'ગુલાબો-સિતાબો' એમેઝોન પ્રાઈમ પર

૧૨મી જુને ૨૦૦ દેશોમાં એક સાથે ડિજીટલી રિલીઝ થશે

મુંબઇ તા. ૧૪: અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના અભિનિત કોમેડી ફિલ્મ 'ગુલાબો-સિતાબો'નું પ્રિમિયર હવે થિયેટરમાં નહીં પરંતુ ડિજીટલી થશે. શુજીત સરાકર દ્વારા ડિરેકટ કરાયેલી ફિલ્મ ૧૨ મી જુને ૨૦૦ દેશોમાં એકસાથે રિલીઝ થશે તેવી જાહેરાત આજે સવારે એમેઝોન પ્રાઈમ વિડિયોએ કરી છે.

આ ફિલ્મ આમ તો ૧૭ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને લીધે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ નહોતી થઈ શકી. આ પહેલી એવી બોલીવુડ ફિલ્મ છે જે સીધી ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. એમેઝોન પ્રાઈમ વિડિયોએ આજે સવારે ટ્વીટ કરતા લખ્યું હતું કે, આ ૧૨ જુને 'ગુલાબો-સિતાબો'ના વર્લ્ડ પ્રિમિયરમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં અમારી સાથે જોડાવ.

ફિલ્મના મુખ્ય અભિનેતા અમિતાભ બચ્ચને ફિલ્મના ડિજીટલી રિલીઝના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, એક સન્માનિત સજ્જન અને તેના અનોખા ભાડૂઆતની વાર્તા...'ગુલાબો-સિતાબો'નું પ્રિમિયર ૧૨ જુને એમેઝોન પ્રાઈમ વિડિયો પર. ફિલ્મમાં અમિતાભ લખનોૈના નવાબી મકાન માલિકની ભૂમિકા ભજવે છે અને આયુષ્યમાન તેના ભાડુઆતનો રોલ કરે છે.

(3:21 pm IST)