Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

અનુપમ ખેરની માતા, ભાઈ, ભાભી, ભત્રીજીને પણ કોરોના

અભિનેતાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો : અનુપમની માતાને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા અને પરિવારના અન્ય સભ્ય હાલ હોમ કોરેન્ટાઈનમાં છે

મુંબઈ, તા. ૧૨ : બચ્ચન પરિવાર બાદ અનુપમ ખેરના પરિવારમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. અનુપમ ખેરના પરિવારના ૪ સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અનુપમ ખેરના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, તેમની માતા દુલારી, ભાઈ રાજુ ખેર, ભાઈની પત્ની અને અનુપમ ખેરના ભત્રીજામાં કોરોના લક્ષણ જોવા મળ્યાં છે. અનુપમની માતાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે પરિવારના અન્ય સભ્ય હાલ હોમ કોરેન્ટાઈનમાં છે.  અનુપમ ખેરે પોતાનો પણ ટેસ્ટ કરાવ્યો છે. તેમણે જણાવ્યું કે, તેમનો અને તેમના ભત્રીજાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમણે બીએમસીના અધિકારીઓને પણ આ અંગે જાણકારી આપી છે. હવે કિલર કોરોના વાયરસે સમગ્ર બોલીવુડને ભરડામાં લીધું છે. અનેક મોટા સ્ટારો પણ કરોનાના સકંજામાં આવી ચુક્યા છે. બચ્ચન બાદ ખેર પરિવાર કોરોનાના ભરડામાં આવ્યું છે.

(7:27 pm IST)