Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

શાહરૂખ-જીવાના ફોટાએ તમામના દિલ જીતી લીધા

કેકેઆરની દિલધડક મેચમાં છેલ્લી ઓવરમાં હાર : ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમની સતત બીજી જીત થઇ : શાહરૂખની બોન્ડિગ સાક્ષી-જીવા સાથે દેખાઇ

ચેન્નાઇ,તા. ૧૧ : ચેન્નાઇમાં રમાયેલી ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની એતિ રોમાંચક અને દિલધડક મેચમાં છેલ્લી ઓવરમાં જોરદાર છગ્ગો ફટકારીને રવિન્દ્ર જાડેજાએ જીત અપાવતા ચેન્નાઇ સુપર કિંગ્સની પાંચ વિકેટે જીત થઇ હતી. આઇપીએલની પાંચમી મેચ અતિ દિલધડક રહી હતી. હાઇ સ્કોરિંગ મેચમાં છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ થયો હતો. ચેન્નાઇ સુપરે કોલકત્તા નાઇટ રાઇડર્સ પર પાંચ વિકેટે જીત મેળવી હતી. જો કે આ મેચમાં કિંગ ખાનની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સની ભલે હાર થઇ પરંતુ શાહરૂખ ખાને તમામ ચાહકોના મન જીતી લીધા હતા. કેકેઆરની ટીમ ભલે મેચમાં હારી ગઇ પરંતુ  શાહરૂખ ખાન અને ચેન્નાઇ સુપરના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી જીવાના ખુબ જ શાનદાર અને પ્યારા ફોટોગ્રાફે તમામ ચાહકના દિલ જીતી લીધા હતા. શાહરૂખખાનની સીએસકેના કેપ્ટન ધોનીની પત્નિ સાક્ષી અને પુત્રી જીવાની સાથે જોરદાર બોન્ડિંગ જોવા મળી હતી. ચેન્નાઇ સુપર કિગ્સના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટસ પર શાહરૂખ ખાનની સાથે જીવાના પ્યારા ફોટાને મુકવામાં આવ્યો છે. જે તમામને પ્રભાવિત કરે છે. શાહરૂખ ખાન ધોનીની પુત્રી જીવા પર પ્રેમ લુટાવતા નજરે પડ્યા હતા. છેલ્લી ઓવરમાં જ્યારે રવિન્દ્ર જાડેજાએ છગ્ગો ફટકારીને જીત પાકી કરી ત્યારે પણ શાહરૂખ ખાને ગળે લગાવીને ધોનીના પત્નિ સાક્ષીને અભિનંદન આપ્યા હતા. મેચ દરમિયાન જીવાની સાથે શાહરૂખ ખાનની બોન્ડિંગને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. બે વર્ષના લાંબા ગાળા બાદ સ્થાનિક મેદાન પર ચેન્નાઇની ટીમ રમી હતી. મેચ પહેલા કાવેરી નદીના વિવાદના મામલે કેટલાક ચાહકોએ હોબાળો મચાવ્યો હતો. ચેન્નાઇની ટીમના બે ખેલાડીઓ પર શુઝ ફેંકવામાં આવ્યા હતા. કેટલાક સંગઠનો તરફથી મેચ ન થવાની ધમકી આપવામાં આવી હોવા છતાં મોટી સંખ્યામાં ચાહકો પહોંચ્યા હતા. ચાહકોએ રોમાંચક મેચની ભરપુર મજા માણી હતી.

(12:16 pm IST)