Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ફિલ્‍મ ‘બ્રહ્માષા'નું બીજુ ગીત ‘દેવા દેવા' રિલીઝ થયું: રણબીર કપૂર આગ સાથે ખેલ કરતો જોવા મળ્‍યો

મને લાગે છે કે, જો કેસરિયા ગીત બ્રહ્માષાનું હૃદય છે તો ‘દેવા-દેવા' તેનો આત્‍મા છે : અયાન મુખર્જી

મુંબઈ, તા. ૯: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્‍મ બ્રહ્માષાને લઈને ચર્ચામાં છે. તેમની ફિલ્‍મ સિવાય આ કપલ તેમની પ્રેગ્નન્‍સીને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. આ દરમિયાન હવે રણબીર અને આલિયાની ફિલ્‍મ ‘બ્રહ્માષા'નું એક નવું ગીત રિલીઝ કરવામાં આવ્‍યું છે. ચાહકો આ ફિલ્‍મ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભૂતકાળમાં રિલીઝ થયેલા ગીતનું ટીઝર દર્શકોને ખૂબ પસંદ આવ્‍યું હતું. આવી સ્‍થિતિમાં હવે મેકર્સે ફિલ્‍મનું બીજું ગીત ‘દેવા દેવા' રિલીઝ કર્યું છે.

હવે અયાન મુખર્જીની ફિલ્‍મ બ્રહ્માષાનું બીજું ગીત ‘દેવા દેવા'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્‍યું છે. વીડિયોની શરૂઆતમાં રણબીર કપૂર મા દુર્ગાના પંડાલમાં માથું નમાવતો જોવા મળે છે. ત્‍યાર બાદ તે આલિયા ભટ્ટને શક્‍તિનો અર્થ સમજાવે છે અને બાદમાં દેવા દેવા ગીતની શરૂઆત થાય છે. વીડિયોમાં અમિતાભ બચ્‍ચનની એક ઝલક પણ જોવા મળી છે. આ ગીત ભગવાન શિવ પર આધારિત છે.

અયાન મુખર્જીએ થોડા દિવસો પહેલા કેસરિયા ગીતને પ્રેમ આપવા બદલ જનતાનો આભાર માન્‍યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્‍યું હતું કે, ‘એક અઠવાડિયા પહેલા અમે કેસરિયા ગીત રિલીઝ કર્યું હતું. આ ગીતને પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર... એક નવું અઠવાડિયું શરૂ થવા જઈ રહ્યું છે અને અમે કેસરિયા બાદ હવે નવું ગીત રજૂ કરવા જઈ રહ્યા છીએ. મને લાગે છે કે, જો કેસરિયા ગીત બ્રહ્માષાનું હૃદય છે તો ‘દેવા દેવા' તેનો આત્‍મા છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્‍મ બ્રહ્માષા પાંચ ભારતીય ભાષાઓ હિન્‍દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. ફિલ્‍મનું શૂટિંગ બુલ્‍ગારિયા, લંડન, ન્‍યૂયોર્ક, એડિનબર્ગ અને વારાણસી સહિત અન્‍ય ઘણી જગ્‍યાએ કરવામાં આવ્‍યું છે. બ્રહ્માષા ૯ સપ્‍ટેમ્‍બરે સિનેમાઘરોમાં રિલિઝ કરવામાં આવશે.

(10:32 am IST)