Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

લવરંજનની ફિલ્મ નકારી દીપિકા પાદુકોણે

મુંબઇ:  થોડા દિવસો પહેલા સમાચાર હતા કે, નિર્માતા-દિગ્દર્શક લવ રંજનના ઘરની બહાર દીપિકા પદુકોણ જોવા મળી હતી. તેની સાથે તેનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂર પણ હતો. આ પરથી એવી અટકળ થઇ રહી હતી કે દીપિકા અને રણબીર લવ રંજનની ફિલ્મમાં કામ કરવા માટે વાટાઘાટ કરવા ભેગા થયા હશે. પરંતુ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન દીપિકાએ લવ રંજનની ફિલ્મ ન સ્વીકારી  હોવાની આડકતરી સ્પષ્ટતા કરી છે. દીપિકાએ આ ફિલ્મનો ઉલ્લેખ તો નથી કર્યો પરંતુ તેણે સ્પષ્ટતા કરી કે તે સેક્સયુઅલ હેરેસેમેન્ટ કેસમાં જે ફસાયો હોય તેની સાથે કદી કામ કરશે નહીં. તેથી આ પરથી સ્પષ્ટ થાય છે કે તે લવ રંજનની ફિલ્મમાં કામ કરવા તૈયાર નથી. એક વાત હવે એવી પણ ચર્ચાઇ રહી છે કે, રણબીર અને અજય દેવગણ સાથે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ કામ કરશે. જોકે આ વાતની હજી  ઘોષણા કરવામાં આવી નથી. રણબીર અને લવ રંજનની ફિલ્મની વાત છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે. આ ત્રણેયની તસવીરો ઘણા સમય પહેલા સોશિયલ મીડિયા પર સાથે પણ જોવા મળી હતી. જોકે પછીથી આ ફિલ્મની ચર્ચા થતી નહોતી. પરંતુ હવે દીપિકાનો ઇન્ટરવ્યુથી ફરી આ ફિલ્મ અને તેના કાસ્ટને લાઇમલાઇટમાં લઇ આવ્યો છે.

(5:23 pm IST)