Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ખુબ હસાવે છે અનોખેલાલ

ટીવી પરદે આવતાં અલગ અલગ કોમેડી શો અલગ અલગ લોકોને ખુબ પસંદ પડતાં હોય છે. સોૈથી વધુ જોવાતા ટીવી શોમાં કોમેડી મોટે ભાગે અગ્રેસર રહે છે. સબ ટીવીના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સહિતના કોમેડી શો ખુબ જોવાય છે. એ જ રીતે એન્ડ ટીવી પરનો સોૈથી વધુ લોકપ્રિય શો 'ભાબીજી ઘર પર હૈં' પણ ઘર ઘરમાં જોવાય છે. કોમેડીથી ભરપુર આ શોના દરેક પાત્રો દર્શકોને ખીલખીલાટ હસાવતાં રહે છે. જેમાં અનોખેલાલ સકસેનાનું પાત્ર પણ જબરદસ્ત છે. તેનો એક તકિયાકલામ છે જે તે વારંવાર બોલે છે, 'આઇ લાઇક ઇટ...' આની શોધ અચાનક જ થઇ હતી. સાનંદ વર્માએ શોમાં અનોખેલાલનું પાત્ર ભજવ્યું છે. જ્યારે સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી ત્યારે એ સાંભળીને તેણે પોતાની આગવી સ્ટાઇલમાં કહ્યું, 'આઇ લાઇક ઇટ...' શોની ક્રીએટિવ ટીમને એ સ્ટાઇલ બહુ ગમી ગઈ અને એણે સાનંદને કહ્યું કે આપણે આ જ સ્ટાઇલ સાથે એને શોમાં લઈએ. સાનંદે તરત જ સ્ક્રિપ્ટ હાથમાં લઈને પોતાના ડાયલોગ્સમાં 'આઇ લાઇક ઇટ...' ઉમેરી દીધું. ત્યારથી આ તકિયાકલામ સુપરહિટ થઈ ગયો છે.

(10:18 am IST)