Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

પ્રિયંકા ચોપડાએ ન્યુયોર્કમાં ખોલી ભારતીય રેસ્ટોરાં

સોશિયલ મીડિયામાં આ રેસ્ટોરાં અંગે માહિતી શેર કરી છે

મુંબઇ,તા. ૮: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ફિલ્મ્સની સાથે સોશિયલ વર્ક અને લેખન ક્ષેત્રે પોતાની જગ્યા સ્થાપિત કરી છે. હવે પ્રિયંકા એક નવા પ્રોફેશનમાં હાથ અજમાવવા જઇ રહી છે. તેણે ન્યૂયોર્કમાં એક ભારતીય રેસ્ટોરાં ખોલી છે. તેણે સોશિયલ મીડિયામાં આ રેસ્ટોરાં અંગે માહિતી શેર કરી છે.

પ્રિયંકાએ તેની રેસ્ટોરાંની માહિતી આપતાં લખ્યું કે, હું તમારી સામે સોના રજૂ કરવા માટે ખૂબ જ ખુશ છું. ન્યૂયોર્કમાં એક નવી રેસ્ટોરાં જયાં મેં ભારતીય વાનગીઓ પ્રત્યે મારો પ્રેમ નાંખ્યો છે. સોનામાં ભારતીય વાનગીઓનો સ્વાદ અને ફ્લેવર્સ છે. શેફ છે હરી નાયક, જે ખૂબ જ પ્રતિભાશાળી છે. તેમણે સ્વાદિષ્ટ અને ઇનોવેટિવ મેન્યૂ તૈયાર કર્યો છે. તમને મારા શાનદાર દેશની વાનગીઓના સફરમાં લઇ જઉં છું. સોના આ મહિનાના અંતમાં ખુલી જશે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ફિલ્મ્સમાં એકિટંગની સાથે પ્રોડકશન પણ કરે છે. પર્પલ પેબલ્સ પિકચર્સ નામથી પ્રિયંકા ચોપડાનું પ્રોડકશન હાઉસ છે. જે હેઠળ વેન્ટિલેટર, સર્વન, પાહુના, ફાયરબેન્ડ, પાની, ધ સ્કાઇ ઇઝ પિંક, ધ વ્હાઇટ ટાઇગર જેવી ફિલ્મ્સ પ્રોડ્યૂસ થઇ ચૂકી છે. ઉપરાંત પ્રિયંકાએ હાલમાં જ તેની હેરકેર પ્રોડકટ પણ લોન્ચ કરી હતી. જયારે અગાઉ પ્રિયંકાએ તેનું પુસ્તક અનફિનિશ્ડ રીલિઝ કર્યું હતું.

(10:11 am IST)