Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

53માં જન્મદિવસ પર સંગીતકાર રહેમાને વ્યક્ત કરી પોતાની ઈચ્છા

મુંબઇ: મોઝાર્ટ ઑફ મદ્રાસ તરીકે ઓળખાતા ઓસ્કાર વિજેતા સંગીતકાર  એ આર રહેમાને કહ્યું હતું કે આજે હું જે કંઇ છું એ સમાજે મને આપેલું છે એટલે હવે સમાજને કંઇક પાછું આપવાની અને નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની મારી ઇચ્છા છે.રવિવારે આ સંગીતકારનો બર્થ ડે હતો. રવિવારે રહેમાન ૫૩ વર્ષના થયા. સાવ કૂમળી વયે પિતા ગુમાવનારા રહેમાને શરૃમાં અન્ય સંગીતકારોના સાજિંદા તરીકે અને વાજિંત્રો ભાડે આપનારા તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ જાહેરખબરની જિંગલ્સના સંગીતકાર થયા હતા અને મણી રત્નમે એમની પ્રતિભાને પારખીને એને ફિલ્મોમાં સંગીત પીરસવાની તક આપી. રહેમાને કહ્યું કે મેં જે સંઘર્ષ કર્યો છે એવો સંઘર્ષ નવી પ્રતિભાઓને કરવો ન પડે એ માટે એમને યોગ્ય માર્ગદર્શન આપવાની અને એમની પ્રતિભાને સંવારવાની હવે મારી ઇચ્છા છે. મને સમાજે ઘણું આપ્યું છે અને એ મારે હવે સમાજને જુદી રીતે પાછું આપવું છે.રહેમાને હિન્દી ઉપરાંત તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ ઉપરાંત અંગ્રેજી અને પર્શિયન ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. કે એમ મ્યુઝિક કન્ઝર્વેટરી સ્થાપીને નવી પેઢીની પ્રતિભાઓને તૈયાર કરી રહેલા રહેમાનને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમારે હવે શું મેળવવાનું બાકી છે એમ તમને લાગે છે ? ત્યારે જવાબમાં રહેમાને કહ્યું કે હવે તો મારે સમાજને કંઇક આપવાનો સમય પાકી ગયો છે એેવું મને લાગે છે. મને ધાર્યા કરતાં અને અપેક્ષા કરતાં ઘણું વધારે મળી ચૂક્યું છે.

(6:11 pm IST)