Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

શાહરુખ ખાનની ફિલ્મ 'ઝીરો' પહેલા વિવાદમાં ફસાઈ: શીખ સમુદાયે લગાવ્યો આ આરોપ

મુંબઈ:એમ લાગે છે કે હવે લોકો વધુ પડતા અસહિષ્ણુ થઇ ગયા છે. કેદારનાથ પછી હવે શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોએ અમારી ધાર્મિક લાગણી દૂભાવી છે એેવી ફરિયાદ પાટનગર નવી દિલ્હીના પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હોવાની જાણકારી મળી હતી.અત્યાર અગાઉ  અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથ સામે ત્યાંના પંડા પૂજારીઓએ ધાર્મિક લાગણી દૂભાઇ હોવાની અને આ ફિલ્મ લવ જિહાદને પ્રોત્સાહન આપતી હોવાની ફરિયાદ કરી હતી.હવે આનંદ એલ રાય અને શાહરુખ ખાનની ઝીરો ફિલ્મ સામે આવી ફરિયાદ નોંધાઇ હતી. નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનમાં કરાયેલી આ ફરિયાદમાં શીખ સમાજે એવી દલીલ કરી હતી કે ફિલ્મના પ્રોમોમાં શાહરુખે શીખો વાપરે છે એવી કિરપાણ પહેરી હોવાનું દેખાડાયું છે જે અમારી ધાર્મિક લાગણી દૂભાવે છે.દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટિના મજિન્દર સિંઘ સિરસાએ પોલીસને કહ્યું હતું કે અમને ઘણી શીખ સંગતની ફરિયાદ મળી છે કે ઝીરો ફિલ્મના આ પ્રોમોએ અમારી ધાર્મિક લાગણી દૂભાવી છે.આનંદ એલ રાય અને શાહરુખ ખાનની આ ફિલ્મ ડિસેંબરમાં રજૂ થવાની છે. આ ફિલ્મમાં મોડર્ન ટેક્નોલોજીની મદદથી શાહરુખ ખાનને વહેંતિયા જેવો રજૂ કરાયો છે. આ ફિલ્મમાં એની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ ચમકી રહી છે.શીખ સમાજની ફરિયાદ અંગે તપાસ કરવા શાહરુખ ખાનનો સંપર્ક સાધવાના પ્રયાસોને સફળતા મળી નહોતી.

(5:16 pm IST)