Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

આમિરખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ ચુપચાપ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરી દેવાઈ

આમિર ખાને દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થયાના છ મહિના પછી OTT પર લોન્ચ કરવામાં આવશે

મુંબઈ :લાલ સિંહ ચઢ્ઢા’ આમિર ખાનની એક એવી ફિલ્મ છે, જેણે આપણને ઘણી બધી રીતે ચોંકાવી દીધા છે. લાંબો સમય અને ખુબ જ મહેનત પછી ફિલ્મ બનાવવામાં આવી હતી. ત્યારપછી આમિર ખાનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ અને તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. ફિલ્મની રિલીઝ પહેલા, આમિર ખાને દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થયાના છ મહિના પછી OTT પર લોન્ચ કરવામાં આવશે. પરંતુ હવે આ ફિલ્મને ચૂપચાપ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ કરી દેવામાં આવી છે.

આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ નેટફ્લિક્સ પર 6 ઓક્ટોબરે રિલીઝ થઈ છે. આ રીતે લાલ સિંહ ચઢ્ઢાને રિલીઝ થયાના 55 દિવસ બાદ OTT પર સ્ટ્રીમ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને કારણે થયેલા મોટા નુકસાનની ભરપાઈ કરવા માટે કરવામાં આવ્યું છે. ભલે, કારણ ગમે તે હોય પરંતુ જે દર્શકો લાલ સિંહ ચઢ્ઢાને ઓટીટી પર જોવાની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે ફિલ્મ થોડી વહેલી આવી ગઈ છે.

લાલ સિંહ ચઢ્ઢાના બજેટની વાત કરીએ તો તે લગભગ 180 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદને કર્યું હતું અને ફિલ્મની વાર્તા અતુલ કુલકર્ણીએ લખી હતી. આ ફિલ્મ હોલીવુડની લોકપ્રિય ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની સત્તાવાર રીમેક હતી. પરંતુ તે બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી હતી.

(9:48 pm IST)