Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

પદ્દમભુષણ સંગીતકાર નૌશાદજીની ગઇકાલે હતી પૂણ્યતિથી

મુગલ-એ-આઝમના એક ગીત માટે નૌશાદ અલીએ ૧૦૦ સંગીતકારોનો ઉપયોગ કર્યો'તો

અન્ય ગીતમાં ઇકો ઇફેકટ લાવવા લત્તાજીને બાથરૂમમાં ઉભા રાખી ગીત ગવડાવ્યું'તુંં

નવી દિલ્હી તા. ૬: હિન્દી સિનેમાના સૌથી જાણીતા સંગીતકારોમાં સામલ નૌશાદ અલી પાંચમી મે ૨૦૦૬ના રોજ આ ફાની દુનિયાને અલવીદા કહી ગયા હતાં. ગઇકાલે તેમની પુણ્યતિથી હતી. તેઓ ફિલ્મી દુનિયા સાથે ૬૪ વર્ષ સુધી જોડાયેલા હતાં. તેમના સંગીતને આજે પણ લોકો ભુલ્યા નથી. હિન્દી સિનેમાની સૌથી સફળ-શાનદાર ફિલ્મો પૈકીની એક મુગલ-એ-આઝમમાં તો નૌશાદસાહેબે એક સાથે ૧૦૦ સંગીતકારોનો ઉપયોગ કર્યો હતો!

નૌશાદજી એ વખતે પણ સંગીતમાં પારંગત હતાં જ્યારે ટેકનોલોજી નહિ બરાબર હતી. આમ છતાં તેઓ પોતાના હુનરથી લોકોને ચોંકાવી દેતા હતાં. ટેકનોલોજી વગર પણ તેઓ એવી-એવી સાઉન્ડ ઇફેકટ આપતા હતાં કે લોકો દંગ રહી જતાં હતાં. મુગલ-એ-આઝમના ગીત 'એ મહોબ્બત જિંદાબાદ' માટે તેમણે એક સાથે ૧૦૦ સંગીતકારોનો ઉપયોગ કર્યો હતો. આ જ ફિલ્મના અન્ય એક ગીત જબ પ્યાર કીયા તો ડરના કયા...માં ખાસ ઇકો ઇફેકટ લાવવા નૌશાદજીએ લત્તા મંગેશકરને બાથરૂમમાં ઉભા રહી ગીત ગાવા કહ્યું હતું.

નૌશાદજીનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૯૧૯ના રોજ લખનૌમાં થયો હતો. બાળપણથી જ તેઓ સંગીત પ્રત્યે આકર્ષિત થયા હતાં. એ કારણે જ સંગીતના સાધનોની દૂકાનમાં કામે રહ્યા હતાં. ૧૯૮૧માં સિનેમામાં તેમના યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં. ૧૯૯૨માં ભારત સરકારના પદ્મ ભુષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

(12:48 pm IST)