Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017


બોલિવૂડના આકાશના સિતારા નહીં પણ 'શશિ'

આપણે એમને ૬૦-૭૦ના દાયકાના ચોકલેટી હીરો તરીકે ઓળખીએ છીએ. ડાન્સ રાજકપુર અને શમ્મી કપૂરની જેમ શશી કપૂરને પણ સારો ન આવડતો પણ એમનું શરીર બંને ભાઇઓની સરખામણીમાં આમ સપ્રમાણ, ચહેરો પણ નાનો અને ખંજન પડે એટ્લે ફકત ખભા ઉલાળીને એ ચાલતા ચાલતા નાચે કે નાચતા નાચતા ચાલે તો ય જોવા ગમે- 'એક ડાલ પર તોતા બોલે..એક ડાલ પર મૈના' 'કહે દૂ તુમ્હે યા ચૂપ રહું દિલમે મેરે આજ કયાં હૈ...' કે પછી 'આ ગલે લગ જા' બધા ગીતોમાં એમની નૃત્ય અદા આ એક જ. 'કાલા પત્થર'માં 'એક રસ્તા હૈ જિંદગી જો થમ ગયે તો કુછ નહી' ગીતમાં પણ બાઈક પર હસતાં એમને જોવા ગમે અને છોકરીઓને (હવે એ દાદીઓ હશે) વધારે ગમે. શશિ કપૂર એટ્લે 'ત્રિશુલ'માં અમિતાભના કો સ્ટાર અને શશિ કપૂર એટ્લે 'દીવાર'માં ભાઈ વિજયને પૂછતાં ઈન્સ્પેકટર 'ભાઈ તુમ સાઇન કરોગે ય નહીં'. પહેલી હિટ ફિલ્મ 'જબ જબ ફૂલ ખીલે' માં 'એક થા ગુલ ઔર એક થી બુલ બુલ' ગીતમાં પણ કાશ્મીરી યુવાન તરીકે લોકોએ એમને જોયા પણ ફિલ્મ તો સંગીતને લીધે ચાલી હતી. કારકિર્દીમાં ઉતાર ચડાવ આવ્યા. જેમ ચંદ્ર પૂર્ણ અને અર્ધ થાય એમ. એટ્લે જ આજે ટીવી-૯ ના એંકરે કહ્યું કે 'એક સિતારા ચલ બસા' ત્યારે મે ફોનો ઇન્ટરવ્યુ માં કહ્યું, 'એ સિતારા નહીં શશિ(ચંદ્ર)હતા.'

બોલિવુડમાં શશી કપૂરનું સુપર્બ યોગદાન હોય તો ૧૯૮૪માં બનેલી ફિલ્મ 'ઉત્સવ'. શુદ્રકના પ્રખ્યાત સંસ્કૃત નાટક 'મૃછ્કટીકમ'નો પડદાવતાર. ગિરીશ કર્નાર્ડ જેવા રંગકર્મી, ફિલ્મમર્મીનું દિગ્દર્શન. શશિ કપૂરે ફિલ્મનુ નિર્માણ કર્યું અને એમાં સંસ્થાનકની ભૂમિકા પણ  કરી. સુંદર ફિલ્મ.

શશિકપૂર અભિનેતા તરીકે રાજ કપુર જેવા સક્ષમ નહીં એવું માનનાર દર્શક-વિવેચકો પણ ઘણા. પણ એમની થોડી અલગ ઇમેજ તો ખરી. 'સત્યમ શિવમ સુંદરમ'માં એ સુંદર પણ લાગ્યા અને કામ પણ સારૃં કર્યું. ગુડ લૂકિંગ એકટર તરીકે પ્રખ્યાતઆપણને હિન્દી ફિલ્મો શશીની ખબર છે. એમનું ફિલ્મ ઉદ્યોગમાં પ્રચલિત નામ શશિબાબા . ફેર સ્કીન હતી એટ્લે લાલ શર્ટ, ચેકસ વાળું શર્ટ એમને શોભતું. પણ એ એવો આગ્રહ રાખતા કે દરેક ફિલ્મમાં એક વાર એમને સફેદ કપડાં જ પહેરવા મળવા જોઈએ. (સંદર્ભઃ અશોક દવે લિખિત પુસ્તક હીરો-હિરોઈન) એમણે સારી, નીવડેલી અને પ્રશંસા પામેલી ઇંગ્લિશ ફિલ્મોમાં પણ કામ કર્યું.

રીતભાતમાં પણ એ ઇંગ્લિશ હતા અને ભારતના મેઇન સ્ટ્રીમ એકટર્સમાં એ પ્રથમ એવા હતા કે જેમણે ઇંગ્લિશ ફિલ્મોમાં કામ કર્યું હોય. હિન્દી ફિલ્મોમાં જે કામ કર્યું એના કરતાં એમની ઇંગ્લિશ ફિલ્મો વધારે વખણાઈ. એવો સમય જયારે બોલિવુડમાં ઓછા લોકો ઇંગ્લિશ જાણતા ત્યારે આ પૃથ્વીરાજ કપૂરના પુત્રે ઇંગ્લિશ ફિલ્મોમાં કામ કર્યું.

૧૯૬૩થી આ સફર શરૂ થઈ, પ્રથમ ફિલ્મ હતી 'હાઉસ હોલ્ડ'. જેમ્સ ઇયાવૃ નિર્દેશિત આ ફિલ્મમાં એક પતિ એની પત્નીની સમસ્યાઓ માટે અધ્યાત્મનો આશ્રય લે છે એવી વાત હતી. 'શેકસપિયર વલ્લાહ' ફિલ્મમાં વિદેશી પરિવાર શેકસપિયરના નાટકો લઈને ભારતમાં આવે છે એની વાત છે અને આ યાદીમાં 'ધ ડીસીવર્સ' પણ આવે. 'મેટર ઓફ ઇનોસસ્ન્સ', 'બોમ્બે ટોકી' જેવી ફિલ્મ એમણે કરી. પત્ની જેનિફર ઉપરાંત ઓમ પૂરી, શબાના આઝમી જેવા ભારતીય કલાકારો સાથે પણ ફિલ્મો કરી.

હરમાન હેસની વાર્તા પરથી બનેલી 'સિદ્ઘાર્થ' પરથી બનેલી ફિલ્મમાં પણ એ હતા. અને 'મેટર ઓફ ઇનોસન્સ' પણ એમની વખણાયેલી ફિલ્મ. તો ૧૯૯૮માં ફિલ્મ આવી 'જીન્નાહ'. પાકિસ્તાનના સર્જક મહમ્મદ અલી જિન્નાહના જીવન પર બનેલી ફિલ્મમાં પણ આ ઈન્સ્પેકટર રવિએ કામ કર્યું હતું અને ઈસ્માઈલ મર્ચન્ટની મૂવી ઇન કસ્ટડી માં મહત્વની ભૂમિકા કરી......

પત્ની જેનિફર સાથે નાટકોનો પણ સંગ રહ્યો. એટ્લે જ તો પૃથ્વી થીએટર્સની વિશેષ વિરાસત પછી થી એમની પુત્રી સંજનાએ સાંચવી. કોમર્શિયલ હિન્દી સિનેમાની જે જરૂરત એક સ્ટારમાં હોય એ કદાચ શશિબાબા પૂરી નહિ કરી શકયા હોય પણ શ્યામ બેનેગલને જેનું નિર્દેશન સોપ્યુ એ 'જૂનુન૩, ઉપરાંત અન્ય ફિલ્મો 'ન્યુ દિલ્હી ટાઈમ્સ' અને 'કલયુગ'માં એમનો અભિનય કાબિલે દાદ હતો જ. 'સિલસિલા' અને 'કભી કભી' ના શશીકપૂર પણ પીઢ અભિનેતા તરીકે બહાર આવ્યા હતા. એ ભોળો અથવા તો શાંત લાગતો ગોરો ચહેરો, ગુસ્સો એના પર આવે તો ય લપસી જાય એવો ચહેરો. હવે તસ્વીરસ્થ થયો. પણ આજના યુગમાં આપણે એટ્લે અટકી નહીં જઈએ અને કહેશું કે એ ચહેરો યુ ટ્યૂબસ્થ થયો છે...

 શબ્દાંકન : જવલંત છાયા

(સોશ્યલ મિડીયામાંથી સાભાર.)

(1:13 pm IST)