Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ફિલ્‍મ જગતની પ્રતિભાશાળી અભિનેત્રી કાજોલ દેવગનનો આજે જન્‍મદિવસ

ફિલ્‍મ ‘બેખુદી'થી ફિલ્‍મી કેરીયરની શરૂઆત કરનાર કાજોલની આજે હિન્‍દી સિનેમાની દિગ્‍ગજ અભિનેત્રીઓમાં ગણના

મુંબઇઃ હિન્‍દી સિનેમા જગતના શાહરૂખ ખાન સાથે તહેલકો મચાવનાર પ્રતિભાવંત અભિનેત્રી કાજોલનો આજે જન્‍મદિવસ છે. ફિલ્‍મ બેખુદીથી રૂપેરી પડદા પર આવી અનેક હીટ ફિલ્‍મોમાં શાનદાર ભુમિકા ભજવી કાજોલ લોકોના દિલો દિમાગમાં અલગ છાપ ઉભી કરી છે. દિલવાલે દુલ્‍હનીયા લે જાયેંગે આજે પણ ભારતીય સિનેમા જગતની સૌથી હિટ ફિલ્‍મ માનવામાં આવે છે.

બોલિવૂડ અભિનેત્રી કાજોલનો આજે જન્મ દિવસ છે. કરિયરના પીક ઉપર લગ્ન કરનાર કાજોલ માટે ફેન્સના દિલમાં પ્રેમ ઓછો થયો ન હતો. કાજોલની ગણના આજે હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી તરીકે થાય છે. શાહરુખ ખાન અને કાજોલની જોડી આજે પણ બોલિવુડ પ્રેમીઓની સૌથી પસંદીદા જોડી છે. આ બંનેએ બોલિવૂડમાં સાથે મળીને અનેક શાનદાર ફિલ્મો આપી છે. જન્મદિવસના અવસર ઉપર આજે અમે આપને કાજોલ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો કહીશું. કાજોલ અને શાહરુખ ખાનની જોડી વાળી ફિલ્મ દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગેં આજે પણ ભારતીય સિનેજગતની સૌથી હીટ ફિલ્મ માનવામાં આવે છે. જેને કારણે કાજોલ રૂપેરી પડદે રીતસર છવાઈ ગઈ. આજે વર્ષો બાદ પણ કરોડો ચાહકો આ આ ફિલ્મ અને આ જોડીને પસંદ કરે છે. શોલે પછી કદાચ આ પહેલી એવી ફિલ્મ હશે જેણે વર્ષો બાદ આજે પણ લોકોને એટલી જ પસંદ છે.

હવે વાત કરીએ કાજોલની અને એના કરિયરની. કાજોલ બાળપણથી જ જિદ્દી સ્વભાવની રહી છે. તે એકવાર નક્કી કરે એને પુરું કરીને જ દમ લે છે. પોતાની વાતોથી મનાવવા માટે પોતાના માતા-પિતાના નાકમાં દમ લાવી દેતી હતી. આ વાતનો ખુલાસો કાજોલે ખુદ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ભણવામાંથી બચવા માટે તે ફિલ્મોમાં આવી ગઈ હતી. કાજોલે પોતે જણાવ્યું હતુંકે, મને ભણવામાં ખુબ જોર આવતું હતું, મને ભણવાનું સહેજ પણ પસંદ નહોતું તેથી જ હું ફિલ્મોની દુનિયામાં આવી ગઈ. જોકે, ફિલ્મોમાં આવવું પણ મારી પસંદ નહોંતી. મેં બસ ભણવાથી બચવા માટે જ ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું હતું.

કાજોલ બોલિવૂડના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક શોમૂ મુખર્જી અને અભિનેત્રી તનુજાની પુત્રી છે. કાજોલની નાની બહેન અભિનેત્રી તનીષા છે. તનીષા પોતાની બહેન અને માતાની તુલનાએ મોટું મુકામ હાંસલ ના કરી શકી. કાજોલે બોલિવૂડમાં પોતાની કરિયરની શરુઆત વર્ષ 1992માં આવેલી ફિલ્મ બેખુદીથી કરી હતી. આ ત્યારબાદ કાજોલે બોલિવૂડમાં એકપછી એક અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મોટા પરદા ઉપર અમિટ છાપ છોડી હતી. કાજોલે પોતાની ફિલ્મી સફરમાં બાજીગર, કરણ-અર્જુન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ગુપ્ત, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, દિલવાલે ઔર તાનાજી સહિત અનેક શાનદાર ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું હતું.

હિન્દી ફિલ્મો ઉપરાંત કાજોલે તમિલ ફિલ્મ 'Minsaara Kannavu'માં પ્રભુદેવા અને અરવિંદ સ્વામી સાથે કામ કર્યું હતું. સિનેમામાં પોતાનું યોગદાન આપવા માટે કાજોલને અનેક પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી છે. વર્ષ 2011માં કાજોલને પદ્મશ્રી પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવી હતી. કાજોલ પોતાની ફિલ્મો ઉપરાંત અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહી છે. અભિનેતા અજય દેવગણ સાથે લાંબી પ્રેમ કહાની બાદ તેણે વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. અજય દેવગણ અને કાજોલની જોડી બોલિવૂડની શાનદાર જોડી કહેવાય છે. આ બંને કલાકારોના બાળકોમાં પુત્રી ન્યાસા અને પુત્ર યુગ છે.

(5:12 pm IST)