Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

સોનુ સુદે વાવાઝોડા પહેલા ૨૦ હજારને સલામત સ્થળે ખસેડ્યા

બોલિવૂડનો વિલન વાસ્તવિક જીવનમાં હીરો બન્યો : અભિનેતા લોકડાઉન દરમિયાન અનેક પ્રકારે લોકસેવામાં વ્યસ્ત રહ્યો, શ્રમિકોને વતન પહોંચાડવામાં મોટું યોગદાન

મુંબઈ, તા. ૫ : છેલ્લા ઘણા દિવસોથી બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ પરપ્રાંતિય મજૂરોને મદદ કરવા અંગે ખૂબજ ચર્ચામાં છે. તેઓ દેશના જુદા જુદા ભાગોમાંથી હજારો પરપ્રાંતિય મજૂરોને લોકડાઉનમાં વતન પહોંચાડ્યા છે. હવે ફરી એકવાર સોનુ સૂદ વાવાઝોડાં નિસર્ગ દરમિયાન લોકો માટે મસીહા તરીકે ઉભરી આવ્યો છે. તોફાન પહેલાં સોનુ અને તેની ટીમે મુંબઈના કાંઠા વિસ્તારની નજીક રહેતા ૨૦,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. સોનુની ટીમે આ લોકો માટે ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી હતી. આ તમામ લોકોને મ્યુનિસિપલ શાળાઓ અને કોલેજોમાં આશ્રય આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત સોનુની ટીમે મુંબઇમાં ફસાયેલા આસામના ૨૦૦ થી વધુ પરપ્રાંતિય મજૂરોને માટે ભોજનની પણ વ્યવસ્થા કરી છે. હજારો લોકોને તેમના ઘરે મોકલવા ઇપરાંત સોનુ સૂદે કેરળમાં ફસાયેલી ૧૭૭ મહિલાઓને ભુવનેશ્વર સ્થિત તેમના ઘરે પરત પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી હતી. દરમિયાન, સોનુ સૂદે લોકોને ચેતવણી આપી છે કે જો કોઈ તેમના નામે ઘરે મોકલવા માટે પૈસા માગે તો તાત્કાલિક ફરિયાદ કરવી.

(8:12 pm IST)