Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

આજથી 'રોમીયો અકબર વોલ્ટર' રિલીઝ

આજથી 'રોમીયો અકબર વોલ્ટર' ફિલ્મ રિલીઝ થઇ છે. નિર્માતા ધીરજ વાધવાન, અજય કપૂર, વનીશા વૈલા, ગેરી ગેરેવાલ અને નિર્દેશક રોબી ગેરેવાલની ફિલ્મ 'રોમીયો અકબર વોલ્ટર'નું લેખન રોબી, ઇશરાક અને શ્રેયાંશ પાંડેએ કર્યુ છે. સંગીત અંકિત તિવારી, સોહેલ સેન અને શબ્બીર અહેમદ તથા રાજ આશૂનું છે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, મોૈની રોય, જૈકી શ્રોફ, સિકંદર ખેર, સુતિત્રા ક્રિષ્નમુર્તિ, બિક્રમજીત કન્વરપાલ, બોમન ઇરાની, ગોવિંદ નામદેવ, ગીતીકા વીદ્યા, તુષાર ત્યાગી સહિતે ભુમિકા નિભાવી છે.

નિર્દેશક રોબી ગ્રેવાલે ફિલ્મમાં થ્રિલર સાથે રોમાન્સ પણ પીરસ્યો છે. ૧૯૭૧ની કહાની છે. તે વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ)ને કારણે ખુબ તણાવ ઉભો થયો હતો. રોમિયો અલી (જ્હોન) એક બેંક કર્મચારી છે. સાથે થિયેટરમાં પણ રસ ધરાવે છે. તેની જિંદગી બરાબર ચાલી રહી હોય છે. ત્યાં રો-ચીફ શ્રીકાંત રોય (જૈકી શ્રોફ)ની નજર તેના પર પડે છે. તે રોમિયોને અકબર મલિક બનાવી જાસૂસ તરીકે પાકિસ્તાન મોકલવાનો પ્લાન બનાવે છે. અકબરને પૂર્વ પાકિસ્તાનના ઇન્ડિયન બેઝ પર થનારા બોમ્બ બ્લાસ્ટની માહિતી શોધી લાવવાની હોય છે. બધુ પ્લાન મુજબ ચાલે છે. પણ ત્યાં જ આઇએસઆઇ એજન્ટ ખુદાબક્ષ ખાન (સિકંદર ખેર)ની એન્ટ્રી થાય છે. ફિલ્મમાં અનેક રોમાંચક પ્લોટ ઉભા કરાયા છે. જ્હોને ફિલ્મનો તમામ ભાર પોતાના ખભે લઇ લીધો છે. મોૈની રોયને અભિનય બતાવવાની વધુ તક નથી મળી.

(9:57 am IST)