Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

કપડા ધોતી વખતે સફેદ કપડા અલગ મુકવાનું ભુલી જતા બોલીવુડની અભિનેત્રી કિમ શર્માએ કામવાળી મહિલાને માર માર્યો

મુંબઇઃ ફિલ્‍મ અભિનેત્રી કિમ શર્મા સામે કામવાળીએ પોલીસ ફરીયાદ કરી છે અને તેને માર માર્યો હોવાનું પણ જણાવ્‍યું છે.

31 વર્ષીય એસ્થર ખેસ કિમના ઘરે 27 એપ્રિલથી કામ કરતી હતી. 21મી મેના રોજ તે કપડા ધોવાનું કામ કરી રહી હતી ત્યારે લાઈટ અને ડાર્ક કપડા અલગ કરવાનું ભુલી ગઈ હતી. એસ્થર જણાવે છે કે, જ્યારે કપડા ધોવાઈ ગયા અને મેં જોયું કે બ્લેક બ્લાઉઝનો કલર સફેદ ટીશર્ટ પર લાગી ગયો છે. મને મારી ભુલ સમજાઈ અને તાત્કાલિક હું તેમને આ કહેવા માટે ગઈ.

આ જોઈને કિમ પહેલા તો ગુસ્સે થઈ ગઈ, બુમો પાડી અને હાથ પણ ઉઠાવ્યો. મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં રહેતી એસ્થરે જણાવ્યું કે, તેણે મને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મુકી અને પાછી ન આવવાની ધમકી આપી. તેમણે મારા માટે અમુક અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો.

એસ્થરે આરોપ લગાવ્યો કે કિમે તેના પૈસા આપવાની પણ ના પાડી દીધી. એસ્થર કહે છે કે, મેં અનેક વાર મારી સૅલરી લેવાનો પ્રયત્ન કર્યો, જ્યારે તેમણે ફાઈનલી પૈસા આપવાની ના પાડી દીધી તો 27 જૂનના રોજ મારે પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી. પરંતુ ખાર પોલીસે હજી સુધી એક્ટ્રેસને સમન નથી પાઠવ્યા અને કિમને ફરિયાદનું સ્ટેટસ પણ નથી જણાવવામાં આવ્યું. જો કે ખાર પોલીસનું કહેવું છે કે, કિમ વિરુદ્ધ નોન-કોગ્નિઝેબલ ઓફેન્સ, IPCની કલમ 323, 504 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે નિયમ અનુસાર તે આગળની કાર્યવાહી માટે કોર્ટ સુધી જઈ શકે છે.

કિમ શર્માએ મુંબઈ મિરરને જણાવ્યું કે, તે દર મહિનાની સાત તારીખે સૅલરી આપે છે. ખેસને પણ જણાવવામાં આવ્યું કે, તેની બાકીની સૅલરી સાતમી તારીખે આપવામાં આવશે. મેં તેની સાથે મારપીટ નથી કરી. તેણે મારા 70 હજારના કપડા ખરાબ કરી નાખ્યા. માટે મેં તેને માત્ર બહાર નીકળી જવાનુ કહ્યુ હતું.

(5:31 pm IST)