Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ભારતના લોકોમાં ભાગલા પાડનારી આ ખતરનાક રાજનીતિને રોકોઃ નાગરિકત્વ સંશોધન કાયદા મુદ્દે અભિનેત્રી સોનમ કપૂરનું નિવેદન

નવી દિલ્હી :નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરોધી પ્રદર્શન કેન્દ્ર બનેલ શાહીન બાગમાં શનિવારે સાંજે એક યુવકે ગોળીબાર કર્યું હતું, જેના બાદ ત્યાં અફરાતફરી પેદા થઈ હતી. ત્યાં હાજર પોલીસે ગોળી ચલાવનાર યુવકને પકડી લીધો હતો. ગોળીબારીની આ ઘટના શાહીનબાગના એ જગ્યાથી થોડેક દૂર એ જગ્યા પર બની હતી, જ્યાં દોઢ મહિનાથી સીએએ વિરોધી ધરણા ચાલુ છે. શનિવારની આ ઘટના બાદ ધરણા પર બેસેલા લોકોમાં ગુસ્સો ભડકી ગયા હતા. લોકોએ દિલ્હી પોલીસની વિરુદ્ધ જોરદાર નારાબાજી કરી હતી. આ મામલામાં હવે બોલિવુડની ફેમસ એક્ટ્રેસ સોનમ કપૂરનું નિવેદન સામે આવ્યું છે. 

સોનમ કપૂરે રવિવારે ટ્વિટ કરીને લખ્યું કે, આ એક એવી બાબત છે, જેના વિશે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ભારતમાં આવું પણ થશે. લોકોમાં ભાગલા પાડનારી આ ખતરનાક રાજનીતિને રોકો. તે નફરતને વધારી રહી છે. જો તમે હિન્દુ ધર્મમાં માનો છો તો સમજો કે આ ધર્મ ‘કર્મ અને ધર્મ’નો છે અને તે બંનેમાંથી કંઈ પણ નથી.

ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરની બોલિવુડની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. નીરજામાં તેના અભિનયના ભારે વખાણ થયા હતા. સલમાન ખાનની સાથે પ્રેમ રતન ધન પાયો, વીરે ડી વેડિંગ, પેડમેન, રાંઝણા અને ભાગ મિલ્ખા ભાગ તેની ફેમસ ફિલ્મો છે.

(4:58 pm IST)