Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ઇરફાન ખાન કુટુંબ માટે ૩૨૧ કરોડની સંપત્તિ છોડી ગયા છે

લોકપ્રિયતા અને મહેનતના બળે ઇરફાને વીતેલા ૩૦ વર્ષની કારકિર્દીમાં કરોડોની કમાણી કરી

મુંબઇ, તા.૨: અભિનેતા ઇરફાન ખાન ફિલ્મોના સુપરસ્ટાર હતા, સાથે અસલી જિંદગીમાં પણ સ્ટારની જિંદગી જીવતા હતા. સૌથી વધારે ઇનકમ ટેકસ આપનારા કલાકારોમાં ઇરફાનની ગણતરી થતી હતી. એ કહેવામાં કોઇ અતિશયોકિત નથી કે તેમની લોકપ્રિયતા અને મહેનતના બળે ઇરફાને વીતેલા ૩૦ વર્ષની કારકિર્દીમાં કરોડોની કમાણી કરી.

'મકબૂલ', 'લાઇફ ઇન અ મેટ્રો', 'ધ લંચ બોકસ', 'પીકૂ'અને 'પાન સિંહ તોમર' જેવી ફિલ્મોએ તેમનું કદ સિનેમામાં ઊંચું કરી દીધું હતું. તેમનો રંગ હોલીવૂડમાં પણ છવાયો હતો. ડેની બોયલની ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર', 'લાઇફ ઓફ પાઇ' અને 'ધ અમેઝિંગ સ્પાઇડર' ફિલ્મોમાં પણ તે પોતાની પ્રતિભા દેખાડી ચૂકયા હતા. કહેવાય છે કે ઇરફાન તેમના પરિવાર એટલે કે બે પુત્ર બાબિલ અને અયાન સાથે પત્ની સુતાપા સિકદર માટે કરોડોની સંપત્તિ છોડી ગયા છે. ૨૯ એપ્રિલે ૫૩ વર્ષની ઉંમરે ઇરફાન ખાનનું અવસાન થયું ત્યાં સુધી તે ફિલ્મો કરતા રહ્યા હતા. ૩૦ વર્ષની કારકિર્દીમાં ઇરફાને ૫૦થી વધારે ફિલ્મો કરી છે અને તેમાં તેમને અઢળક સફળતા પણ મળી. તેઓ બ્રિટિશ અને અમેરિકન ફિલ્મોનો પણ હિસ્સો રહ્યા હતા. કહેવાય છે કે તેમની રિલીઝ થયેલી ૫૦ હિન્દી ફિલ્મોની કુલ કમાણી રૂ. ૧૦૦૦ કરોડની આસપાસ હતી.

એક અહેવાલ પ્રમાણે ઇરફાન પાસે કુલ રૂ.૩૨૧ કરોડની સંપત્તિ છે. તે ફકત ફિલ્મોમાંથી કમાણી નહોતા કરતા, પણ ટીવી સિરિયલોમાં પણ કામ કરતા હતા. ઇરફાને પણ અન્ય સ્ટાર્સની જેમ ફિલ્મોમાં કામ કરવા માટે ફીસ લેવા ઉપરાંત તેના વ્યવસાયમાંથી નફાનો હિસ્સો લેવાનું શરૂ કર્યું હતું. ઇરફાન ખાનનું રૂ.૧૧૦ કરોડનું રોકાણ છે અને મુંબઈમાં તેમનું ઘર છે. ઇરફાન ખાન એક ફિલ્મના લગભગ રૂ. ૧૦થી ૧૫ કરોડની ફીસ લેતા હતા. ટીવી એડ માટે તેમની ફીસ રૂ. ૪થી ૫ કરોડ લેતા હતા એમ કહેવાય છે. ઇરફાનને લકઝરી કારોનો બહુ શોખ હતો. તેમની પાસે એક એકથી ચડિયાતી કારો છે. ટોયેટા સેલિકા, બીએમડબલ્યુ, મેસેરાટી, કવાટ્રોપોર્ટે સાથે એક ઓડી કાર પણ છે. આ બધાની કુલ કિંમત રૂ. ૫થી ૬ કરોડની વચ્ચે અંદાજે હશે.

તેમના પિતાના જવાથી તેમના ઘરમાં પૈસાની અછતને કારણે ઇરફાન માટે અહીં સુધી પહોંચવું સરળ વાત નહોતી. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મારું બાળપણ મિત્રો અને પરિવાર સાથે વીત્યું છે. ઇરફાને કહ્યું હતું કે હું અભિનેતા નહોતો અને જયુપરમાં હતો ત્યારે મને સાઇકલ લેવી હતી. તે સમયે મેં ટ્યૂશન લેવાનું શરૂ કર્યું હતું. મને મહિને લગભગ ૧૫ રૂપિયા મળતા હતા. તે પૈસા ભેગા કરીને મેં સાઇકલ ખરીદી હતી. પછી તો તેમણે અભિનય શરૂ કર્યો અને તેમના મોટા ભાઇના પરિવારની જવાબદારી પણ સંભાળી. ઇરફાને એનએસડીમાં અભિનયની તાલીમ લીધી હતી.

(11:42 am IST)