Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

એકશન સ્ટાર સિંધમનો જન્મદિન

અજય દેવગનનો ૫૧મો જન્મદિવસ

મુંબઇ, તા. ૨ : બોલિવુડમાં આશરે ૨૮ વર્ષનો સમય પૂર્ણ કરી ચુકેલા અભિનેતા અજય દેવગનના જન્મદિવસે આજે ચાહકોએ તેેને શુભેચ્છા પાઠવી હતી. અજય દેવગન બોલિવુડમાં સૌથી સફળ સ્ટાર પૈકી એક તરીકે રહ્યો છે. આટલા લાંબા ગાળા બાદ પણ અજય દેવગન એક સફળ સ્ટાર તરીકે છે. તે હજુ એક્શનથી ભરપુર ફિલ્મો કરી રહ્યો છે. સાથે સાથે તેની ફિલ્મોને બોક્સ ઓફિસ પર સફળતા પણ મળી રહી છે.

અજય દેવગને દરેક પ્રકારની ફિલ્મમાં ખાસ છાપ ઉભી કરી છે. બીજી એપ્રિલ ૧૯૬૯ના દિવસે જન્મેલા અજય દેવગને આજે ૫૦ વર્ષ પૂર્ણ કરી લીધા છે.વયના આ તબક્કામાં પણ અજય દેવગન સુપરસ્ટાર તરીકે રહ્યો છે. તમામ લોકોની પાસે આ અંગેની માહિતી નથી કે અજય દેવગને ચાઇલ્ડ સ્ટાર તરીકે પ્યારી બહેના ફિલ્મમાં કામ કર્યુ હતુ. વર્ષ ૧૯૮૫માં આ ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તિની બાળપણની ભૂમિકા અજયે અદા કરી હતી. માતા વીણા દેવગન એક ફિલ્મ નિર્માત્રી હતી. જ્યારે પિતા વીરૂ દેવગન તો દેશના લોકપ્રિય કોરિયોગ્રાફર તરીકે રહ્યા છે. અજય દેવગને પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત એક અભિનેતા તરીકે ફુલ ઔર કાંટે સાથે કરી હતી. અજય દેવગનને હજુ સુધી પોતાની ફિલ્મી કેરિયરમાં બે નેશનલ એવોર્ડ મળી ચુક્યા છે. સાથે સાથે વર્ષ ૨૦૧૬માં પદ્મશ્રીથી તેને સન્માનિત કરવામાં આવી ચુક્યો છે. ફિલ્મ જખ્મ અને ભગત સિંહ જેવી ફિલ્મના કારણે તેને શ્રેષ્ઠ અભિનેતા માટેનો એવોર્ડ મળ્યો હતો.

અજય દેવગને પોતાની કેરિયરમાં અનેક સુપર હિટ ફિલ્મો આપી છે. જેમાં ફુલ ઔર કાંટે, વિજય પથ, ઇશ્ક, હમ દિલ દે ચુકે સનમ, કંપની, ભગતસિંહ, અપહરણ, સિંઘમ, સિંઘમ રિટર્ન જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. અજય દેવગને વર્ષ ૧૯૯૯માં લગ્ન કરી લીધા હતા. આજે કાજોલ અને અજય દેવગન ખુશાલ દંપત્તિ તરીકે છે.

(4:37 pm IST)