Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

સાઉથ સુપરસ્ટાર વિજયનો ડબલ રોલઃ 'બિજિલ' ફિલ્મની પાંચ દિવસમાં ૨૦૦ કરોડની કમાણી

ચેન્નાઇ તા. ૩૧: દિવાળી-નવા વર્ષના તહેવારોમાં મોટી-મોટી ફિલ્મો રિલીઝ થતી હોય છે. હિન્દી ફિલ્મોની જેમ સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તહેવાર પર મોટી ફિલ્મો રિલીઝ કરવામાં આવે છે. ગત ૨૫ ઓકટોબરના સાઉથમાં સુપરસ્ટાર વિજયની તમિલ ફિલ્મ 'બિજિલ' રિલીઝ થઇ છે. આ ફિલ્મે પાંચ દિવસમાં જ અધધધ ૨૦૦ કરોડની કમાણી કરી લઇ રેકોર્ડ તોડ્યા છે. વિશ્વભરમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે અને કમાણીનો આંકડો વૈશ્વિક સ્તરનો છે. એટલી કુમાર લિખિત અને દિગ્દર્શિત એવી આ ફિલ્મ ૧૭૭ મિનીટની લંબાઇ ધરાવે છે અને ૧૮૦ કરોડના ખર્ચે બની છે.

ફિલ્મમાં વિજય, નયનતારા, વિવેક, જૈકી શ્રોફ, કથીર, યોગી બાબુ સહિતના કલાકારો છે. આ ફિલ્મ વિશ્વભરમાં ૪૨૦૦ સ્ક્રીન પર રિલીઝ થઇ છે. ફૂટબોલની રમત સાથે સંકળાયેલી એકશન ફિલ્મ છે. સુપરસ્ટાર વિજય આ ફિલ્મમાં પિતા અને પુત્ર એમ બંનેની ભુમિકામાં છે, એટલે કે ડબલ રોલ નિભાવી રહ્યો છે. વિજયની મોટા ભાગની ફિલ્મો સુપરહિટ હોય છે. તેમાં બિજિલનો પણ સમાવેશ થયો છે.

(11:28 am IST)