Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

૩૦ વર્ષના ટકલુ યુવાનની મુશ્કેલીઓ વર્ણવતી 'ઉજડા ચમન' આજથી રિલીઝઃ સની સિંહ અને માનવી ગગરૂની મુખ્ય ભૂમિકા

આજથી નિર્માતા કુમાર મંગત, અભિષેક પાઠક અને નિર્દેશક અભિષેક પાઠકની ફિલ્મ 'ઉજડા ચમન' રિલીઝ થઇ છે. ફિલ્મમાં સની સિંહ, માનવી ગાગરૂ, સોૈરભ શુકલા, અતુલ કુમાર, કરિશ્મા શર્મા, ઐશ્વર્યા સખુજા, શરીબ હાસમી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં સંગીત ગોૈરવ-રોશિન અને ગુરૂ રંધાવાનું છે.

આ ફિલ્મની કહાની ૩૦ વર્ષના યુવાન ચમન કોહલીની છે. ચમન બે ગંભીર સમશ્યા સામે ઝઝૂમી રહ્યો છે. પહેલી સમશ્યા એ છે કે તેના માથાના વાળ નાની ઉમરે ઉતરી ગયા છે, આ કારણે તે મોટી ઉમરનો લાગવા માંડ્યો છે. લોકો તેને ઉજડા ચમન કહીને ચીડાવે છે. બીજી સમશ્યા એ છે કે ઉજડા ચમન હોવાને કારણે તેના લગ્ન થઇ શકતા નથી. કોઇ ટકલૂ યુવાનને કોઇ છોકરી શા માટે પસંદ કરે? ત્રીસ વર્ષની ઉમરે હવે ચમનને લગ્નની આશા પણ ધુંધળી થતી જણાય છે. તેના માતા-પિતા પણ ખુબ પરેશાન છે. આ પરેશાનીમાં વધારો ત્યારે થાય છે જ્યારે એક જ્યોતિષ કહી દે છે કે ૩૧ વર્ષ પુરા થયા પછી ચમનના લગ્ન નહિ થાય તો તે આજીવન કુંવારો જ રહેશે! આ વાત સાંભળી ચમનની જિંદગીમાં ઉથલ-પુથલ મચી જાય છે. ચમન માથાના વાળ ઉગાડવા અનેક ઉપાયો અજમાવે છે...છેલ્લે ચમનનું શું થાય છે? તે કોમેડી સાથે દેખાડાયું છે. ચમન કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતો હોય છે. કોલેજમાં વિદ્યાર્થીઓ પણ તેની મજાક ઉડાવતા રહે છે. એક સરખી પ્રેમકહાની કરતાં કંઇક અલગ કહાની જોવાની ઇચ્છા ધરાવતાં દર્શકોને આ ફિલ્મ એક વખત જોવી ગમે તેવી છે. ફિલ્મ વિવેચકો અઢીથી ત્રણ સ્ટાર આપી રહ્યા છે.

નોંધનીય છે કે આવા જ વિષય પર બનેલી આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'બાલા' પણ આ દિવસે રિલીઝ થવાની હતી. પણ મામલો કોર્ટમાં પહોંચતા હવે બાલા આવતા શુક્રવારે સિનેમાઘરોમાં આવશે. ફિલ્મમાં સની સિંહે ઉજડા ચમનનો રોલને ભરપુર ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. અપ્સરાના રોલમાં માનવી ખુબ પ્રભાવીત કરે છે. ફિલ્મનો વિષય ખુબ સંવેદનશીલ અને અલગ છે. પણ પટકથાની નબળાઇ સામે આવી જાય છે. ફિલ્મ ખુબ સારી નિયતથી બનાવાઇ છે, પરંતુ કહાની થોડી નબળી પડી છે. સની સિંહ અગાઉ દિલ તો બચ્ચા હૈ જી, આકાશવાણી, પ્યાર કા પંચનામા-૨, સોનૂ કે ટીટૂ કી સ્વીટી, દે દે પ્યાર દે, જૂઠા કહીં કા સહિતની ફિલ્મો કરી ચુકયો છે. માનવી ગાગરૂ હવે પછી શુભ મંગલ જ્યાદા સાવધાન નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે.

(10:27 am IST)