Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સહુના પ્રિયઃ સૌરાષ્ટ્રના સિનિયરમોસ્ટ પત્રકાર જગદીશભાઇ આચાર્યનો જન્મદિવસ

રાજકોટ તા.૧૯: સૌરાષ્ટ્રના સિનિયર મોસ્ટ પત્રકાર-લેખક, સોશ્યલ મિડીયા ઉપર અનેક વિષયો ઉપર સાંપ્રત પ્રવાહો વિશે લેખ લખીને લાખો વાંચકોમાં લોકપ્રિય બનેલા શ્રી જગદીશભાઇ આચાર્યનો તા. ૧૭ માર્ચના રોજ ૬૨મો જન્મદિવસ હતો. તેમનો ૬૨મો વર્ષમાં પ્રવેશ થયો છે.

શ્રીજગદીશભાઇ આચાર્યએ જન્મદિવસ નિમિતે સોશ્યલ મીડિયા(ફેઇસબુક)માં લખ્યું છે કે, આત્મચિંતન કરવાના રવાડે ચડયો નથી એટલે આમ તો જાજી ખબર નથી, પણ એટલું યાદ છે કે એકંદરે જીંદગી મજેદાર રહી છે. જીંદગી સામે અત્યાર સુધી તો કાંઇ વાંધો નથી પડયો પણ છેલ્લા કેટલાક સમયથી એક તકલીફ શરૂ થઇ છે. લોકો આપણને દાદા કહે ત્યાં સુધીતો સમજયા કે એ તો આપણી દાદાગીરી છે. પણ આજકાલના સ્વછંદી છોરા છોરીઓ કાકા કાકા કહે છે ત્યારે કાળજે ખીલા ભોંકાય છે. આ ષડયંત્રનો સામનો કરવા મૂછ અને વાળ ઉપર નિયમિત કલર કરવાનો આજે દ્રઢ નિર્ધાર જાહેર કરૃં છું.

બસ એટલું જ, બાકી ભગવાનની દયા રહી છે. ખૂબ મજા કરી, અત્યારે પણ મોજ છે. જીંદગી આવીને આવી જલસેદાર રહે એટલે ગંગા નાહ્યા.

જીવનમાં ચારે બાજુથી નકરો પ્રેમ જ મળ્યો છે એટલો સદભાગી છું. બધાનો આભાર.

આજે બધા મને શુભેચ્છાઓ પાઠવશે. ત્યારે હું પણ શુભેચ્છા પાઠવી દઉં. બધા સદા ખુશખુશાલ રહે, બધાની બધી મનોકામના પૂર્ણ થાય, બધા પર ઇશ્વરની કૃપા વરસતી રહે એજ પ્રાર્થના...

શ્રી જગદીશભાઇ આચાર્યના મો.નં. ૯૮૨૫૨ ૭૪૩૭૪ છે.

(11:35 am IST)