Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રડવાના નાટક પણ શરૂ થઇ ગયા...

નેતા-‘નીતીઓ'ના લાગણીવેળાઃ લોકોએ વધારે સજાગ રહેવું પડશે, નહિ તો રડનારા જીતીને અટ્ટહાસ્‍ય કરશે...

ગુજરાતમાં ઉમેદવારી પત્રો ભરવાના શરૂ થઇ ગયા છે. ઉમેદવારો શકિત પ્રદર્શન કરીને મોટી-મોટી વાતો કરી રહ્યા છે. ઘણાં તો જોશમાં આવીને ઉગ્ર ભાષણો કરવા માંડે છે. આવા નેતાઓ સામે ગુજરાતમાં વકરી રહેલી ગુન્‍હાખોરી અંગે પ્રશ્ન કરવામાં આવે તો હવા નીકળી જાય છે. ચૂંટણીના મુદ્‌્‌ા આભાસી સ્‍તર પર જ ચાલે છે. આભાસીસ્‍તરમાં આક્રમક દેખાતું સ્‍થાનિક નેતુ વાસ્‍તવિક સ્‍તરના મુદ્‌્‌ે પાણીમાં બેસી જાય છે.

આવા નેતાઓ નાટકબાજ હોય છે. ચૂંટણી પ્રચારમાં મોટાભાગે અભિનય ચાલતાં હોય છે. પ્રચારમાં લાગણીથી માંડીને લડી લેવાની વાતો થતી રહે છે, ચૂંટણી બાદ લોકોને વાસ્‍તવિક પ્રશ્નોની આગમાં ધકેલીને અલોપ થઇ જાય છે.

નેતા સમાજ ચબરાક હોય છે. લોકોની નાડ પારખીને ખેલ નાખતા હોય છે. ભારતમાં લોકોને ભાવૂક માનવામાં આવે છે. આ ભાવૂકતાનો લાભ લેવા નેતાઓ ચૂંટણી સમયે સજજ થઇ જાય છે. આ વિશેષતા કોઇ એક પક્ષની નહિ, દરેક પક્ષોની છે. ગુજરાતમાં આજે ઉમેદવારી પત્રો ભરાય છે, સેટિંગ પ્રમાણે પબ્‍લિક એકઠી થઇ હોય છે. લોકોને જોઇને ઘણાં ઉમેદવારો ભાવૂક થવાના નાટક કરીને રડવા લાગે છે. મીડિયા ન્‍યૂઝ સેન્‍સ તડકે મૂકીને રડતા નેતા-નેતીના બ્રેકિંગ ન્‍યૂઝ વહાવે છે. ગુજરાતના ગેનીબેનથી માંડીને પંજાબના મુખ્‍યમંત્રી ભગવત માનના રડવાના ન્‍યૂઝ ગઇકાલે આખો દિવસ વહયા હતાં.

ભગવત માન દિલ્‍હી જેલમાં કેજરીવાલને મળીને બહાર આવ્‍યા ત્‍યારે રડવા લાગ્‍યા હતાં. વાસ્‍તવમાં ખુદને સૌથી આદર્શ ગણાવતા નેતાએ કૌભાંડ કેસમાં જેલમાં જવું પડે અને જામીન માટે પણ ફાંફા મારવા પડે એ પક્ષ અને નેતા માટે શરમની બાબત છે. જેલમાં ગયા બાદ પણ મુખ્‍યમંત્રીપદેથી રાજીનામુ નથી આપ્‍યું એ દર્શાવે છે કે, તમારા મગજમાં નૈતિકતા નહિ, સત્તાની ભૂખ સવાર છે.

આવા બધા મુદ્‌્‌ાઓને ભૂલીને નેતુ મીડિયા સામે રડવા લાગે છે. અને લોકોની ભાવૂકતાનો ગેરલાભ લેવાના મનસુબા રાખે છે. આવા નાટક કરવામાં ભાજપના નેતાઓ પણ કમ નથી. મહત્‍વના મુદ્‌્‌ા આડા પાટે ચઢાવવામાં ભાજપની માસ્‍ટરી છે. ગુજરાતનું દમ વગરનું શાસન જ સૌથી મોટી સમસ્‍યા છે. આવા મુદ્‌્‌ા ભૂલાવીને હિન્‍દુત્‍વના રવાડે ચઢાવશે અને ચૂંટણી બાદ આ નેતાઓ ગુજરાતને તડકે મૂકીને નવા સેટિંગમાં વ્‍યસ્‍ત થઇ જશે.

દરેક પક્ષો લોકો સાથે સ્‍માર્ટ છેતરપીંડી કરી રહ્યા છે. આવા સંજોગોમાં મતદારોએ વધારે સજાગ રહેવાની જરૂર છે. લાગણી વેળાથી માંડીને નાત-જાત-ધર્મના રવાડે ચઢીને મત પડાવી લેશે. જીતી ગયા બાદ રડનારા નેતા-નેતીઓ અટ્ટહાસ્‍ય કરતા દેખાશે અને મતદારોને રડવાનો વારો આવશે.

લોકોએ આગ્રહ રાખવો પડશે કે, આભાસી મુદ્‌્‌ે નહિ, વાસ્‍તવિક મુદ્‌્‌ે જ ચૂંટણી યોજો.

(10:34 am IST)