Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2024

ઢંઢેરા એટલે રાજકીય માવઠા

ચૂંટણી બાદ માવઠા ગાયબ થઇ જાયઃ ઢંઢેરાને સત્તાવાર કરારનું સ્‍વરૂપ આપો

ગઇકાલે રાજકોટ વિવાદમાં રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું અભુતપૂર્વ-વિરાટ સંમેલન મળ્‍યું. એ રાજકીય સમીકરણો બદલી નાખવા સક્ષમ હતું. લાખો લોકો, સ્‍વયંભૂ મેદની કોઇપણ રાજકીય પાર્ટીના પરસેવો વાળી દેવા સક્ષમ હતું.

આ દિવસે જ સવારે સત્તાધારો પક્ષે ભાજપે રાષ્‍ટ્રીયસ્‍તરે સંકલ્‍પ પત્રના નામે મેનિફેસ્‍ટોને રજૂ કર્યો હતો. જો કે, ગુજરાતભરમાં મીડિયામાં રતનપરનું મહાસંમેલન છવાયેલું રહ્યું. મેનિફેસ્‍ટોના ન્‍યૂઝ સાઇડ લાઇન થઇ ગયા હતાં.

મેનિફેસ્‍ટો માટે  દેશી શબ્‍દ ઢંઢેરો છે. દરેક ચૂંટણીમાં દરેક પક્ષો ઢંઢેરો જાહેર કરે છે. જેને મીડિયામાં ભરપુર મહત્‍વ આપવામાં આવે છે. મેનિફેસ્‍ટો જે તે રાજકીય પક્ષ સત્તામાં આવે તો શું કરશે, તેની ડિઝાઇન ગણાય છે. આ પરંપરા ચાલે છે. મેનિફેસ્‍ટો-ઢંઢેરો જેવા શબ્‍દો ખૂબ ચવાઇ ગયા છે.

રાજકારણીઓએ શબ્‍દો પરિવર્ત કર્યા, પણ પરંપરા જાળવી રાખી છે. મીડિયા અને રાજકીય પક્ષો ઢંઢેરાને મહત્‍વના માને છે, પણ કાનૂની દૃષ્‍ટિએ તેની કંઇ જ વેલ્‍યુ નથી. હવે ઢંઢેરા માટે ભાજપ સંકલ્‍પ પત્ર-ગેરન્‍ટી વગેરે શબ્‍દો વાપરે છે. જયારે કોંગ્રેસે ઢંઢેરાને ન્‍યાયપત્ર તરીકે રજૂ કર્યો છે. કોઇ પક્ષે ઢંઢેરાને કાનૂનીરૂપ આપવાનું વચન નથી આપ્‍યું. ઢંઢેરાને મુદ્‌્‌ો બનાવીને રાજકારણીઓ હરીફોને ઝાટકણી કાઢી રહ્યા છે. રાજનીતિમાં ગરમાવો લાવી રહ્યા છે.

કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે. તેમાં ગુજરાતમાં બે દિવસથી માવઠા પડી રહ્યા છે. માવઠાથી ગરમીમાં થોડી કંડક લાગે, પરંતુ આ માવઠા મોટું નુકશાન કરીને બે'ક દિવસમાં ગાયબ થઇ જાય. ચૂંટણીના ઢંઢેરા પણ રાજનીતિના માવઠા જેવા જ હોય છે. ગેરન્‍ટી, સંકલ્‍પ પત્ર, ન્‍યાયપત્રની બંધારણીય વેલ્‍ય કંઇ નથી. ઢંઢેરામાં લોકોને રાજકીય પક્ષો દ્વારા આંબા-આંબલી દેખાડવામાં આવે. માવઠાની જેમ હૈયે થોડી ઠંડક આપે, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ માવઠાની જેમ અલોપ થઇ જાય...!

મતદાન થઇ ગયા બાદ સંકલ્‍પ પત્ર-ગેરન્‍ટી-ન્‍યાય પત્ર વગેરેની દશા રદી કાગળિયા જેવી બની જાય છે. સરકાર રચાઇ ગયા બાદ કોઇ ઢંઢેરાને યાદ કરાવે તો તેને રાજકીય જવાબ આપી દેવામાં આવે છે. અથવા હાંસીને પાત્ર બનાવી દેવામાં આવે છે.

ઢંઢેરાને પડકારવાનો કોઇ અર્થ નથી, કારણ કે તેની કાનૂની વેલ્‍યુ છે જ નહિ. આવી પરંપરા રદ થવી જ જોઇએ ? વાસ્‍તમાં લોકશાહીમાં લોકો જ નિર્ણાયક હોય છે. રાજકારણીઓ પોતાના ઢંઢેરા લોકોના માથા પર ઝીંકે એ જ યોગ્‍ય નથી. લોકોએ સંગઠિત - જાગૃત અને વ્‍યાપક હિતનો વિચાર કરીને ખુદનો જ ઢંઢેરો બનાવીને પ્રચારમાં આવતા રાજકીય પક્ષોને કહેવું જોઇએ કે, આ ઢંઢેરા પ્રમાણે કામ કરી દેખાડવાની ત્રેવડ હોય તો જ મત માંગ જો. લોક જાગતિથી જ લોકશાહીનું શુધ્‍ધિકરણ શકય બનશે અને સુખાકારી વધશે, એ ભૂલવું જ જોઇએ.

(10:38 am IST)