Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2024

ટીવી સિરીયલ જેવા ચૂંટણીના ડખ્‍ખા!

ગુજરાતમાં ભાજપનો કોમેડી-શોઃ ઘણી બેઠકો પર બાપ-દીકરો, પતિ-પત્‍ની, નણંદ-ભોજાઇની બઘડાટી...!

નરેન્‍દ્રભાઇ મોદીનો ગુજરાત ચૂંટણી કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે. લોકસભાની મહત્‍વની ચૂંટણી વખતે જ રાજયના ભાજપી નેતાઓના પાણી મપાઇ રહ્યા છે. રાજકોટમાં ઉઠેલો વિવાદ રાજય બહાર પણ પહોંચી રહ્યો છે. પ્રદેશનું એક પણ ભાજપી નેતુ વિવાદને બ્રેક લગાવી શકતું નથી... વિવાદમાં ભાજપના જ વિવિધ નેતાઓ સામે આંગળી ચીંધાય છે. વિવાદમાં ભાજપની દશા કોમેડી શોના કલાકાર જેવી બની ગઇ છે. ત્રેવડ વગરના નેતાઓની ફોજના કારણે મોદીજીની આભા બગડી રહી છે.

ગુજરાતમાં ભાજપનો કોમેડી શો છે તેમ દેશમાં અનેક બેઠકો પર સાસુ-વહુની ટીવી સિરીયલ જેવી બઘડાટી જોવા મળે છે. બાપ-દીકરો, પતિ-પત્‍ની, નણંદ-ભોજાઇ, દેરાણી-જેઠાણી સામ-સામા ઢીસુમ-ઢીસુમ પર ઉતરી આવ્‍યા છે.

મહારાષ્‍ટ્રમાં બારામતી બેઠક પર નણંદ સુનેત્રા પવાર સામે ભાભી સુપ્રિયા સુલે જંગ લડી રહ્યા છે. પવાર પરિવારની બઘડાટી હવે રાજકીયરૂપે જાહેરમાં આવી ગયો છે.

પ. બંગાળની વિષ્‍ણુપુર બેઠક પર સૌમિત્ર ખાન સામે પુર્વ પત્‍ની સુજાતા મંડલે ઝંપલાવ્‍યું છે. હરિયાણામાં પ્રતિષ્‍ઠિત ચૌટાલા પરિવારના પુત્ર રણજિત સામે પરિવારના જ સુનૈના જંગે ચઢયા છે.

આંધ્રમાં કડપા બેઠક પરથી રેડ્ડી પરિવાર સામ-સામે છે શર્મીલા સામે ભાઇ અવિનાશ લડી રહ્યા છે. ટીવી સિરીયલ્‍સમાં પારિવારિક બઘડાટી જોઇને કંટાળી જાવ તો રિમોટથી ચેનલ બદલી શકાય, પણ રાજનીતિનું રિમોટ લોકોના હાથમાં નથી રહ્યું. ઘરેલુ બઘડાટી અને રાજકોટની કંટાળાજનક કોમેડી માણવી ફરજિયાત છે.

અમુક પરિવારો અને અમુક નેતાઓ રાજાશાહીની જેમ વર્તાવ કરી રહ્યા છે. કોઇપણ બેઠક કે રાજયમાં પોતાને જ સર્વસ્‍વ માને છે. આવી સ્‍થિતિ લોકશાહીમાં આવકાર્ય નથી. લોકોએ મતરૂપી બ્રહ્માષાથી આવા પરિવારો - નેતાઓને ફગાવી દેવા જોઇએ. પારિવારિક ડખ્‍ખા અને રાજકોટ જેવા વિવાદોના કારણે  ચૂંટણીમાં લોકોના, રાજયના અને રાષ્‍ટ્રના પ્રશ્નો અલોપ થઇ જાય છે.

ચૂંટણી વખતે દુશ્‍મન જેવો વર્તાવ કરનારા ચૂંટણી બાદ સાથે બેસીને સેટિંગ કરવા લાગે છે. મોટાભાગે આવા દૃશ્‍યો જ સર્જાય છે. મતદારો મામા બની ગયાનું ફિલ કરે છે. વર્ષોથી આ પરંપરા ચાલે છે, તેનું કારણ લોકજાગૃતિનો અભાવ છે.

લોકશાહીમાં રાજનીતિનું રિમોટ કન્‍ટ્રોલ લોકોના હાથમાં હોવું જોઇએ. નાત-જાત-ધર્મ-પ્રાંતના ચકકરમાંથી બહાર આવીને લોકો વ્‍યાપક સામુહિક હિત માટે ધંધે લાગે તો જ નેતાઓને જવાબદારીનું ભાન જ થાય

(10:45 am IST)