Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

મોરારજીથી મોદીજી... ગુજરાતી સંઘર્ષ

મોરારજી દેસાઇની પુણ્યતિથિઃ ગુજરાતી નેતાઓનો સંઘર્ષ કમ નથી...

વર્તમાન રાષ્ટ્રીય રાજનીતિમાં ગુજરાતનો અભુતપૂર્વ પ્રભાવ છે. મોદી-શાહની જોડીએ ભલભલા પક્ષના સમીકરણો ગોટે ચઢાવી દીધા છે. ગુજરાતના નેતાઓનો પ્રભાવ પણ કમ ન હતો. આજનો ઇતિહાસ ગુજરાત માટે પ્રેરક છે. આજે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇની પુણ્યતિથી છે. તેઓનું નિધન ૧૦ એપ્રિલ ૧૯૯પ ના દિને થયું હતું.

મોરારજી દેસાઇ ગુજરાતમાંથી સર્જાયેલું નેતૃત્વ હતું. તેઓ ભારત અને પાકિસ્તાન બંને દેશોના સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરી ચુકેલા નેતા હતાં. સંઘર્ષ ભર્યા બાળ પણ બાદ સરકારી નોકરી મળી હતી. જો કે અંગ્રેજોની નોકરી છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. બાદમાં કોંગ્રેસમાં પણ પુરી તાકાતથી સક્રિય બન્યા.

આઝાદી વખતે મોરારજી દેસાઇનું રાષ્ટ્રીય રાજનીતિમાં મોટું નામ હતું, પણ તેમની રૂચિ રાજયની રાજનીતિમાં હતી. મુંબઇ રાજયના મુખ્યમંત્રી બન્યા. રાજયસ્તરે આક્રમક નિર્ણયો કરીને લોકપ્રિય બનીને રાષ્ટ્રીયસ્તરે ગયા. મોરારજી દેસાઇની તીવ્ર ઇચ્છા વડાપ્રધાન બનવાની હતી. આ પદ માટે સક્ષમ પણ હતાં. જો કે આ મામલે ઇન્દિરા ગાંધી સાથે કોંગ્રેસમાં સતત સંઘર્ષ ચાલ્યો. કોંગ્રેસ મોરારજીભાઇને ઇગ્નોર કરતી રહી.

આ સંઘર્ષે પક્ષમાં ભંગાણનું સ્વરૂપ લીધું. મોરારજી દેસાઇ અને અનેક નેતાઓ કોંગ્રેસ છોડીને જનતા પાર્ટીમાં જોડાયા. ૧૯૭૭ માં લોકસભાની ચૂંટણી થઇ. જનતા પાર્ટીને બહુમતી મળી અને મોરારજીભાઇ વડાપ્રધાન બન્યા. આ સમયે તેમની ઉમર ૮૧ વર્ષની હતી, પણ દેશમાં ધરખમ પરિવર્તન માટે સક્ષમ હતાં.

જો કે ઇન્દિરા ગાંધી માટે મોરારજી સરકાર અસહ્ય હતી. ઇન્દિરાજીએ ચૌધરી ચરણસિંહને હવા ભરી. જનતા પાર્ટીમાં બળવો કરાવ્યો. ટૂંકાગાળામાં મોરારજી સરકાર ઉથલી ગઇ.

સક્ષમ નેતાગીરીને કોંગ્રેસ પ્રારંભથી જ સહન કરી શકતી નથી. મોરારજીભાઇ જેવા અસંખ્ય સક્ષમ નેતાઓએ પક્ષ છોડી દીધા છે. આઝાદી કાળે ગાંધીજી અને સરદાર પટેલ બંનેનું રાષ્ટ્રીય રાજનીતિમાં વર્ચસ્વ હતું. આ બંને ગુજરાતી નેતાના પ્રભાવથી કોંગ્રેસ રાજનીતિમાં સક્ષમ બની, પણ બંને નેતાઓને સાઇડ લાઇન જ રાખ્યા.

ગુજરાતની ધરતીમાંથી નિરંતર નેતૃત્વ ઉઠતું રહ્યું છે, પણ રાષ્ટ્રીયસ્તરે હાંસિયામાં જ રહ્યું છે. વર્ષો બાદ ગુજરાતમાં મોદીજીનું નેતૃત્વ ઉઠયું. જેમણે ગુજરાતમાં ઐતિહાસિક પ્રભાવ ધરાવતું નેતૃત્વ આપ્યું અને પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવીને સ્પષ્ટ બહુમતી સાથે વડાપ્રધાન પદ પ્રાપ્ત કર્યુ.

આ પદ મેળવવું કઠીન છે, પણ તેનાથી વધારે કઠીન જાળવી રાખવું તે છે. એક દાયકાના રાષ્ટ્રીય નેતૃત્વ બાદ પણ મોદીજીનો કોઇ વિકલ્પ દેખાતો નથી. ગુજરાતી નેતૃત્વનું આ ગૌરવ છે, પણ મોદીજી-શાહને બાદ કરતા છેલ્લા દશ વર્ષમાં ગુજરાત નેતૃત્વ વીહિન બની ગયું છે.

વર્તમાન પ્રદેશની નેતાગીરીનો કોઇ જ પાવર નથી. હાલ રાજયની એવી દશા છે કે, મોટા પદ પર લાયકાતને બદલે ઉપરવાળાની કૃપાથી સ્થાન મળે છે. આ કારણે રાજયમાં સ્થાનિક નેતાગીરીનો કોઇ પ્રભાવ નથી.

(11:13 am IST)