Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2024

આક્ષેપોઃ નેતા સમાજનું લોકપ્રિય શષા

એક-બીજા પર આરોપો લગાવીને ચર્ચામાં રહેવું સામાન્‍ય બની ગયું છેઃ આક્ષેપો અંગે નિયમો જરૂરી...

દેશભરમાં ચૂંટણી ઉત્‍સવે જમાવટ કરી છે. દરેક પક્ષોના સ્‍ટાર પ્રચારકો દેશભરમાં ઉડાઉડ કરે છે. ચૂંટણી સમયે પ્રચાર કરવો સામાન્‍ય બાબત છે. જો કે શ્રેષ્‍ઠ પ્રચાર એ ગણાય કે, દરેક પક્ષો જણાવે કે, પોતે શું કર્યુ અને ભવિષ્‍યમાં શું કરશે... એવા પ્રચાર કરવાને બદલે આક્ષેપોને જ પ્રચાર ગણવામાં આવે છે.

દરેક પક્ષો અને નેતાઓ એક-બીજા પર આધાર વગરના આક્ષેપો કરીને માહોલને દુષિત તથા વિવાદિત કરી રહ્યા છે. આ ખતરનાક ટ્રેન્‍ડ બની ગયો છે. ચૂંટણી પૂર્વે બેફામ આક્ષેપો કરીને મતદારોને ઉશ્‍કેરે છે. મતદાન બાદ હરીફ નેતાઓ સાથે બેસીને મોજ કરે છે અને લોકો વચ્‍ચે દુશ્‍મનાવટ ચાલે છે.

આવી રાજનીતિ વેલ્‍યુ વગરની ગણાય, પણ આર્ય છે કે દાયકાઓથી લોકોને મૂરખ બનાવવાના ખેલ ચાલતા રહે છે. આડેધડ આક્ષેપો અંગે કાયદાનું રક્ષણ છે જ. કોઇ નેતા આધાર વગરના આક્ષેપો કરે તો તેના પર બદનક્ષીના કેસ થઇ શકે છે, પણ રાજનીતિના ખેલ જુદા હોય છે દરેક નેતા એક-બીજા પર આક્ષેપો કરતા રહે છે. ચૂંટણી બાદ વેર-ઝેર ફીટુસ કરી દેવામાં આવે છે.

રાજકીય પક્ષોની આવી નીતિના કારણ ચૂંટણી વખતે મહત્‍વના મુદ્‌્‌ાઓ અલોપ થઇ જાય છે. સાવ ફાલતું મુદ્‌્‌ે લોકો મત આપી દે છે. લોકશાહી સાવ નબળી  અને અવિશ્વાસુ બની જાય છે.

ચૂંટણીના શુધ્‍ધિકરણ માટે મુખ્‍ય જવાબદારી ચૂંટણી પંચની છે. પંચને પૂર્ણ પાવર આપવામાં આવે છે જો કે આક્ષેપોની રાજનીતિ સામે પંચ સાવ નિસ્‍ક્રીય જેવું રહે છે. આચાર સંહિતા હોય તેમ પ્રચાર સંહિતા ઘડવી અનિવાર્ય છે. ચૂંટણી સમયે નેતાઓ કરોડા રૂપિયાના ખર્ચે દેશભરમાં ઉડાઉડ કરીને માત્ર આક્ષેપો કર્યે રાખે, વિવાદો સર્જતા રહે, લોકોને ઉશ્‍કેરીને મત પડાવી લેવાના ધંધા કરતા રહે એ અયોગ્‍ય અને અસહય છે.

આવી બેહુદી પરંપરાથી દેશને મુકત કરવો જરૂરી છે. જો કે ચૂંટણી પંચ પાસે વધારે આશા રાખવા જેવી નથી. નેતાઓની વૃત્તિ સામે લોકોએ જ જાગૃત બનવું પડશે. લોકશાહી શુધ્‍ધિકરણ અભિયાન લોકોએ જ આ દરવું જોઇએ.

કોઇ નેતા અન્‍ય પર આક્ષેપો કરે તો લોકોએ જ કહેવું જોઇએ કે, તમારા હરીફને અમે ઓળખીએ છીએ, તમે તમારા વિશે જ કહો. લોકોમાં આવા અવાજ ઉઠે તો નેતાઓને ચેતી જવું અનિવાર્ય બનશે. લોકશાહીમાં લોકો જ સૌથી મોટી શકિત છે. લોકો ધારે તે કરી શકે છે. આ માટે વ્‍યાપક સમજદારીની જરૂર છે.

નેતાઓની આક્ષેપ પરંપરાને મીડિયા પ્રોત્‍સાહન આપે છે. ફાલતું નિવેદનો હેડલાઇન બની જાય છે. લોકોમાં જાગૃતિ-સમજદારી આવે તો મીડિયા જગતને પણ ટ્રેક બદલવા ફરજ પાડી શકે છે. ચૂંટણીને વિવાદી- ફાલતું બનતી અટકાવવી જરૂરી છે.

(10:30 am IST)