Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ઘીના ઠામમાં ઘી... પણ ઠામ લીકે જ !

ઘી જામેલું હશેતો ટકશે નહિ તો ટપકતું રહેશેઃ ગુજરાત ભાજપનું 'ઠામ' વધારે ખખડયું... નવા વર્ષે જૂની મગજમારી ચાલુ રહે તો અસહ્ય બનશે...

ર૦૧૮ નો મંગલારંભ થઇ ગયો છે. નવું વર્ષ નવી આશાઓ લઇને આવ્યું છે. વિશ્વભરમાં નવા વર્ષના વધામણા થયા છે. ગત રાત્રી ઝગમગાટ સાથે વર્ષનો પ્રારંભ થયો છે.

....પણ ગુજરાતમાં ઝગમગાટ સાથે ડગમગાટ પણ અનુભવાયો... રાજયનું આકાશ ઝગમગ થતું હતું. પરંતુ રાજયની રાજનીતિ ડગમડતી હતી. ર૦૧૭ ના  અંતિમ દિને સવારમાં તનાવ હતો, પરંતુ બપોર બાદ રાજનૈતિક તનાવ દૂર થયો. ભાજપમાં ગુજરાત સરકારમાં સર્જાયેલી મગજમારી દૂર થઇ, મુખ્યમંત્રીએ નિવેદન કર્યુ અને મીડિયાની બેનર લાઇન થઇ  'ઘીના ઠામમાં ઘી પડી ગયું.'

નીતિનભાઇને નાણાં મંત્રાલય મળી ગયું, એ રાજી થઇ ગયા. ભાજપમાં હાશકારો થયો. ઘીના ઠામમાં ઘી ગોઠવાઇ ગયું... રાજકીય ઠામડાં ખખડે તેમાં કોઇ નવાઇ નથી. ભાજપના ઠામ વધારે પડતા ખખડયા છે. ભાજપીઓએ ઘીના ઠામમાં ઘી નાખ્યું છે, પણ ઠામ લીકેજ છે...

ખખડી ગયેલા ઠામમાં ઘી જામેલું. ઘન સ્વરૂપ હશે તો ટકી રહેશે, ઘી ઓગળે અને પ્રવાહી બને તો ટપકતું રહેશે.... ભાજપી ડખ્ખાનું સમાધાન થયું છે, પરંતુ ડખ્ખાના જે તારણો નીકળે છે એ રાષ્ટ્રીય સ્તરે ખતરનાક સંદેશ આપે છે.

નીતિનભાઇ પટેલે જે કર્યુ એ યોગ્ય કર્યુ કે અયોગ્ય, એ મુદ્ે ચિંતન કરવાનો ઇરાદો નથી. જે કર્યુ તેના પરિણામના તારણો પર ચિંતન જરૂરી છે. નીતિનભાઇનો મુદ્ે વ્યકિતગત અને ભાજપનો આંતરિક છે, પણ તેના તારણોની અસરો રાષ્ટ્રને અસર કરનારા છે.

દેશમાં ભાજપ સત્તાધીશ છે. લગભગ દરેક રાજયમાં ભાજપનો  પ્રભાવ જબ્બર છે. નરેન્દ્રભાઇ મોદીનું ચૂંબકીય વ્યકિતત્વ અને અમિતભાઇ શાહની કડકાઇના કારણે ભાજપ છવાયેલો છે અને અસંતુષ્ટો તથા વિરોધીઓ દબાયેલા છે. નીતિનભાઇની જીદ પૂરી કરવી પડી તેનું તારણ એ નીકળે છે કે મોદિત્વના પ્રભાવને અને શાહત્વની કડકાઇને ઝૂકાવી શકાય છે...  ગુજરાતના ડખ્ખાનું આ તારણ દેશમાં ભાજપને નબળો પાડવા સક્ષમ છે.

મોદી-શાહના ગૃહ રાજયમાં જ તેના પ્રભાવને ઝૂકવું પડયું છે. ગુજરાતમાં ખાતાની ફાળવણી મોદી-શાહના માર્ગદર્શન આદેશથી જ થઇ હોય. નીતિનભાઇએ હિંમત કરીને અવાજ ઉઠાવ્યો અને એમના અવાજને અનુસરવું પડયું છે. ઘીના ઠામમાં ઘી ભલે પડયું, પણ ભાજપનું 'ઠામ' લીકેજ થયું છે. ભાજપની આબરુની બેલેન્સ ઓછી થઇ છે. પડકારો જડબું ફાડીને ઉભા છે. ર૦૧૯ ના પડઘમ વાગવાના છે.

આ સ્થિતિમાં સર્વોચ્ચ નેતૃત્વ નબળુ પડે એ ગંભીર ગણાય. મોદિત્વ-શાહત્વએ ભાજપમાં અને ભાજપે લોકોમાં અતૂટ પ્રભાવ સ્થાપિત કરવા નકકર કાર્યો જરૂરી છે. નવા વર્ષે ભાજપના જૂના ડખ્ખા ચાલુ રહેશે તો તે લોકો માટે અસહ્ય બની શકે છે. મોદી સરકારે અને ભાજપે અનેક મોરચે પડકારો ઝીલવાના છે. પક્ષના આંતરિક કે એન. ડી. એ. ના અસંતોષ વારંવાર ઉઠતા રહે અને લીકેજ ઠામમાં ગોઠવાયેલું ઘી પ્રવાહી થતું રહે તો અરાજકતા જેવો માહોલ સર્જાઇ શકે છે, જે વિપક્ષ માટે અનુકુળ ગણાશે.

ગુજરાતમાં પણ ભાજપ નકકર કામ નહિ કરી શકે તો ર૦૧૯ ના પરિણામો પક્ષ માટે આઘાતજનક આવી શકે છે. સરકારને લોકહિત માટે ધંધે લગાડવી પડશે. (પ-૩)

(1:46 am IST)
  • ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST

  • લોકસભામાં એક લેખિત જવાબમાં, રેલવેના રાજ્ય પ્રધાન રાજન ગોહૈને જણાવ્યું હતું કે ટિકિટ બુકિંગ માટે આધાર નંબર ફરજિયાત બનાવવા માટે કોઈ દરખાસ્ત નથી. જો કે, 1 જાન્યુઆરી, 2017થી વરિષ્ઠ નાગરિકો માટે રાહતભાવની રેલવે ટિકિટોના બુકિંગ માટે આધાર નમ્બરની નોંધણી સ્વૈચ્છિક ધોરણે રજૂ કરવામાં આવી છે. access_time 10:00 am IST

  • મુંબઈના મરોલ વિસ્તારની મૈમુલ બિલ્ડિંગમાં આગ લાગવાથી એક જ કુટુંબના ચાર લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે access_time 9:07 am IST