Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

નાતાલે રાજનીતિના તાલ

લાલુથી જયરામ... વાયા તામીલનાડુ, બંગાળ, યુ.પી.. કોંગ્રેસને ડીંગો

ખ્રિસ્તીઓનું નવું વર્ષ આવી રહ્યું છે. જઇ રહેલા વર્ષના અંતિમ દિનોમાં રાજનીતિના યાદગાર પ્રસંગો ભજવાઇ રહ્યા છે. ગુજરાત હિમાચલમાં નવી સરકારોના શપથ થશે, પરંતુ એ પૂર્વેની ઘટનાઓ દેશની રાજનૈતિક દિશા દર્શાવનારી બની રહી છે.

ત્રણ તલ્લાક ખરડાનો મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વિરોધ કરતા કહ્યું કે, આ કાયદો મહિલાઓના અધિકારોનું હનન કરનારો છે ! હસવું આવે તેવું આ નિવેદન નથી ? મુસ્લિમ પરિણિતાને ત્રણ વખત તલ્લાક કહીને કાઢી મુકવી એ મહિલા અધિકારોનું સન્માન હતું ? મણિશંકર કે સિબ્બલો આવું નિવેદન નહિ કરે, આ બધાં મતના ખેલ છે.

લાલુને ચારો ચાવી ગયા, પણ પચાવી નથી શકયા. ચારા કૌભાંડમાં જેલમાં જવાનું થયું તો તેને પછાતો યાદ આવ્યા. પછાતોને ન્યાય મેળવવો અઘરો છે, તેવું નિવેદન આપ્યું  લાલુને જેલમાં રંગીન ટીવીની સુવિધા મળી છે, પરંતુ ટીવીમાં માત્ર દૂરદર્શનની જ ચેનલો જોવાની રહેશે. ભ્રષ્ટતત્વોને મન કી બાત સાંભળ્યે રાખવાની સજા જ યોગ્ય ગણાય.

લાલુના અસ્તકાળનો પ્રારંભ થઇ રહ્યો છે એ સામે બિહારથી દૂર હિમાચલ પ્રદેશમાં જયરામ ઠાકુરના નેતૃત્વનો ઉદય થઇ રહ્યો છે. મુખ્યમંત્રીપદે જયરામ પસંદ થયા છે. કાળઝાળ ગરીબીમાંથી ઉઠેલુ આ નેતૃત્વ છે. ભુતકાળથી જ જયરામ રાજનીતિના પાઠ ભણવા લાગ્યા હતા. તેઓના માતુશ્રીનું સ્વપ્ન પૂર્ણ થવાનું છે. જયરામ સામે બે મુખ્ય પડકારો છે, પ્રથમ પડકાર પ્રેમકુમાર ધુમલને કાબૂમાં રાખવા અને બીજો પડકાર લોકોની અપેક્ષા પૂરી કરવાનો છે.

બિહારથી હિમાચલની રાજકીય યાત્રા વાયા પ.બંગાળ, અરૂણાચલ પ્રદેશ, યુપી કરવી પડે તેવી સ્થિતિ છે. ગઇકાલે પેટાચૂંટણીના પરિણામો આવ્યા. તામીલનાડુમાં જયલલિતાની ખાલી પડેલી ધારાસભાની બેઠક પર ચૂંટણી થઇ હતી. જેમાં જયલલિતાના પક્ષ એઆઇએડીએમકેને હરાવીને જયલલિતાના ભત્રીજા દિનાકરનને જીત મેળવી છે. લોકો જયાના પક્ષ કરતા જયાના પરિવારને વધારે પ્રેમ કરતા હોવાનું સાબિત થયું છે. રસપ્રદ બાબત એ છે કે, દિનાકરને જયાથી પણ મોટો વિજય મેળવ્યો છે... જેલમાં બેસેલા જયાના સખી શશિકલાએ આ પરિણામથી અટ્ટહાસ્ય કર્યું છે. દિનાકરનના શશિબેનના ઉમેદવાર હતા... પરિણામમાં વધારે રસપ્રદ ચોથા ક્રમનું પરિણામ છે. આ બેઠક પર ભાજપ ચોથા ક્રમે નોટા છે ! બે વર્ષમાં આ રાજયમાં મોદી-શાહે અચ્છે દિન બતાવવા અનિવાર્ય છે.

અરૂણાચલ પ્રદેશમાં ધારાસભાની બે બેઠકો પર ચૂંટણી હતી, બંનજે બેઠકો ભાજપે જીતી છે. યુપીથી પણ કેસરિયા વાવડ મળે છે. ખૂબ પ્રતિષ્ઠિત સીકન્દરા બેઠક પર ભાજપે જોરદાર વિજય મેળવ્યો છે. આ રાજયમાં યોગીજીને બરાબર પક્કડ જમાવી છે. ગુજરાતના ભાજપી નેતાઓએ યોગીજીના ટ્યુશન કલાસ રાખવા જોઇએ.

પ.બંગાળને યાદ કરવું પડે તેવી સ્થિતિ છે. રાજય પર પક્કડ જમાવવામાં યોગીજી સાથે મમતાજીની સ્પર્ધા હોય તેમ લાગે છે. પ.બંગાળની ધારાસભાની પ્રતિષ્ઠિત સબંગ બેઠક પર મમતાદીદીના ઉમેદવારે સપાટો બોલાવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ આ બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે. કોંગ્રેસને કારમી પછડાટ મળી છે, બીજા ક્રમે ભાજપ રહ્યો છે.

તમામ પરિણામોનું વિહંગાવલોકન કરીએ તો તારણ નીકળે છે કે- દરેક પક્ષે મોટાભાગે પોતપોતાનું સાચવ્યું છે, કોંગ્રેસે હતું એ ગુમાવ્યું છે. પાંચ વર્ષ બાદ ગુજરાતમાં ૧૩પ બેઠકો મેળવવાના સપના જોતા રાહુલ ગાંધી વારસામાં મળેલુ સાચવી શકતા નથી એ હકીકત છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસે કંઇ મેળવ્યું નથી, હતું કે ગયું છે. ઉપરાંત મુખ્ય સાથીદાર લાલુ યાદવને પણ જેલમાં જવું પડયું છે. ટીવી ચેનલોની ચર્ચામાં કોંગ્રેસે લાલુની તરફેણ કરવી પડે તે લાચાર સ્થિતિ ગણાય. રાહુલે લાલુને તલ્લાક-તલ્લાક કહીને નવું વર્ષ ઉજવવું જોઇએ.

(1:46 am IST)