News of Saturday, 23rd December 2017

મેન ઓફ ધ મેચ...મણિભાઇ !

મેદાનમાં આવ્યા વગર ખેલ્યા અને વિરોધીઓને જીતાડી દીધા : ગુજરાત-હિમાચલમાં રોમાંચક સ્થિતિ

પોતાને બૌદ્ધિક-જ્ઞાની-સુધરેલા અને મહત્વના નેતા ગણાવતા મણિશંકર ઐયર ગુજરાતી ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત જાહેરમાં આવ્યા, પણ કંઇ બોલવાની હિંમત ન કરી શકયા. મણિભાઇના બે અક્ષરના શબ્દએ ગુજરાત કોંગ્રેસની આશા અને રાહુલની મહેનત પર પાણી ઢોળ કરી દીધું હતું. મણિભાઇ ગુજરાતની ચૂંટણીમાં મેદાનમાં આવ્યા વગર મેન ઓફ  ધ મેચ જાહેર થયા છે. તકલીફ એ છે કે, મણિભાઇના ખેલથી વિરોધીઓ જીતી ગયા છે. પરિણામો બાદ થયેલા એક સર્વેના તારણ પ્રમાણે ૬ર ટકા લોકોનું માનવું છે કે, મણિશંકર ઐયરના કારણે ગુજરાતમાં ભાજપ જીત્યો છે. હવે મણિભાઇની બોલતી બંધ થઇ ગઇ છે ફરી નવી ચૂંટણી આવે ત્યારે આ જ્ઞાની પુરૂષ પોતાનું જ્ઞાન પીરસીને કોંગ્રેસને ધ્રુજાવશે.

આવા મણિલાલોનું કોંગ્રેસે જે કરવું હોય તે કરે, પણ પરિણામો બાદ ગુજરાત-હિમાચલ પ્રદેશમાં રોમાંચક સ્થિતિ જામી તેના પર ચિંતન કરીએ. પરાજય બાદ ચિંતન બેઠકમાં ગુજરાતના કોંગ્રીજનોએ તારણ કાઢયું કે, સ્થાનિક કાર્યકરોની નિસ્ક્રીયતાના કારણે હાર્યા. ઇવીએમમાં ગરબડ અંગે ફરિયાદ કરાશે... પરાજયના કારણો નજર સામે છે, પણ કોઇને જવાબદાર ન ઠેરવવા ઇવીએમને બલીનો બકરો બનાવાય છે. કાર્યકરો નિસ્ક્રીય હતા કારણ કે કોંગ્રેસે અલ્પેશ-હાર્દિક-જીજ્ઞેશને એટલુ બધું મહત્વ આપ્યું હતું કે પક્ષના પાયાની વેલ્યુ જ ન રહી... આ કારણે પાયો નિસ્ક્રીય રહ્યો અને મજબૂત ઇમારત ન બની.

આવો જ અનુભવ ભાજપને પણ થયો છે. ૧પ૧ બેઠકો સુધી પહોંચવા કોંગ્રેસના ટોળાને પક્ષમાં લાવીને ટિકિટો પકડાવી દીધી. આવા પાટલી બદલુઓને લોકોએ ફગાવી દીધા, બહુમતી સુધી પહોંચવામાં પણ ભાજપ હાંફી ગયો. તારણ એ નીકળે છે કે, બંને પક્ષોએ બહારના તત્વો પર મદાર રાખવાને બદલે પોતાના બળે ચૂંટણી ખેલી હોત તો દેખાવ સુધરી શકયો હોત...

હાલ બંને પક્ષોમાં ચિંતન ચાલે છે. મુખ્યમંત્રી પદથી પ્રધાનોના નામ નક્કી થાય છે. ભાજપના સંગઠનમાં પણ ધરખમ ફેરફારો આવી રહ્યા છે. કોંગ્રેસ પણ વિપક્ષ નેતાપદ અને સંગઠનમાં ફેરફાર કરી રહી છે. ર૦૧૯માં મોટી કસોટી આવી રહી છે. મોદી-રાહુલ કોઇ કસર છોડવા માંગતા નથી.

હિમાચલમાં કોંગ્રેસનો પરાજય થયો છે, ભાજપ જીત્યો છે, પરંતુ મુખ્યમંત્રીનું નામ નક્કી થતું હતું ત્યારે પક્ષના જ કાર્યકરોએ ઘોંઘાટ કરીને પક્ષના જ નેતાઓ વિરોધી નારા લગાવ્યા હતા. આ દૃશ્યો પક્ષના ઉજ્જવળ ભવિષ્ય માટે જોખમી બની શકે છે.

ભાજપ સત્તા મેળવતા શીખી ગયો છે, ચારેબાજુ સત્તા મેળવી રહ્યો છે, પરંતુ નક્કર કામ કરીને લોક વિશ્વાસને લાંબાગાળા સુધી જાળવી રાખતા શીખવાનું બાકી છે. આ સામે કોંગ્રેસને પરાજયો પચાવવાનું ફાવી ગયું છે. ર૯ પરાજયો બાદ ગુજરાતમાં માત્ર ૧પ બેઠકો વધારે મેળવીને દેખાવ સુધાર્યાનો જશ્ન કોંગ્રેસ જ મનાવી શકે...

(1:46 am IST)
  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST

  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST