Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કૃષિ યુનિ. ખાતે પર્યાવરણ ચિંતન શિબિર યોજાઇ

છેલ્લા ૨ વર્ષમાં ગુજરાતમાં ૧.૯૭ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે : ગુજરાતનો ખેડુત પ્રાકૃતિક કૃષિ મોડલ અપનાવી ખેડુતો માટે રાહબર બને : લોકો હવે ફેમીલી ડોકટર નહિ, ફેમીલી ખેડૂત રાખે એ જરૂરીઃ રાજયપાલશ્રીનું પ્રેરક પ્રવચન

જૂનાગઢ તા.૩૦: રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કૃષિ યુનિવર્સિટી ખાતે પર્યાવરણ ચિંતન શિબિર યોજાઇ હતી. રાજયપાલશ્રીએ પ્રેરક પ્રવચન આપતા કહ્યું કે, પ્રાકૃતિક ખેતી જ પર્યાવરણની સૌથી મોટી રક્ષક છે. લોકો હવે ફેમીલી ડોકટર નહિં, પરંતુ ફેમીલી ખેડૂત રાખે એ જરૂરી છે.

જૂનાગઢની મુલાકાતે આવેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કૃષિ યુનિ. ઓડિટોરીયમ હોલ ખાતે પર્યાવરણ ચિંતન શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે રાજયપાલશ્રીએ કહયુ કે, પ્રાકૃતિક ખેતી જ પર્યાવરણની સૌથી મોટી રક્ષક છે. રાસાયણિક ખેતીના કારણે ઉત્પાદન દ્યટી રહ્યું છે. ખર્ચ વધી રહ્યો છે. સાથે જ પાણી, ખોરાક, પર્યાવરણ દુષિત થઇ રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરવા સંકલ્પ લેવા સાથે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સરકારશ્રીના અભિયાનમાં જોડાવા  તેમણે સૌને અનુરોધ કર્યા હતો.

ગુજરાતનો ખેડુત પ્રાકૃતિક કૃષિ મોડલ અપનાવી દેશભરના ખેડુતો માટે રાહબર બને તેમ જણાવી રાજયપાલશ્રીએ ઉમેર્યુ કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૧,૯૭,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતીથી ખર્ચ શૂન્ય થાય છે,ઉત્પાદન વધે છે. સાથે જ જમીનની ફળદ્રુપતા વધશે,ગાયનું જતન થશે. તેમજ ખેડૂતોની આવક બમણી થશે.

રાજયપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,બાળકના સર્વાંગીણ વિકાસમાં શિક્ષકોનું સ્થાન મહત્વનું છે. અધ્યાપક આજે પણ સૌથી વધુસન્માનીય છે. હાલ દેશભરમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચાલી રહ્યું છે. એમાં શિક્ષકો પણ જોડાઇ. શિક્ષક દરેક ગામ, સમાજના લોકો વચ્ચે જઇ લોકોને સમજાવે, અને સમાજમાં ક્રાંતિ લાવે. તેમણે વધુંમા જણાવ્યું હતું કે, લોકો હવે ફેમીલી ડોકટર નહિ, ફેમિલી ખેડૂત રાખે એ જરૂરી છે. આ તકે રાજયપાલશ્રીએ ખેડૂતો માટે લેવાયેલ નિર્ણયો, યોજના અંગે રાજય સરકારને  અભિનંદન પાઠવ્યા હતા.

રાજયપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી શિક્ષણ પર્યાવરણ ક્ષેત્રે વિષેશ કાર્ય કરનાર શ્રી પ્રફુલભાઇ સેંજલિયા,શ્રી વિજયભાઇ ડોબરિયા,શ્રી ભીમસિંભાઇ કરમુર,શ્રી જે.કે. ઠેસિયા,મહંતશ્રી રામદાસ બાપુનું બહુમાન કરાયુ હતું.

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ગુજરાતના પ્રમુખશ્રી પ્રફુલભાઇ સેંજલિયાએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. પર્યાવરણ ચિંતન શિબિરના પ્રારંભે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના આચાર્ય શ્રી કનુભાઇ કરકરે સ્વાગત પ્રવચન સાથે ડાયેટમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનાં પ્રયોગોની વિગત આપી હતી.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે ડો. જી.કે. સેંજલીયા અને બી. કે. મેસીયા દ્રવારા લીખીત અને સંકલીત જૂનાગઢ કેળવણીનો ઇતિહાસ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ શ્રી ડો. ચેતન ત્રિવેદી,કૃષિ યુનિ.ના કુલપતિ ડો. વી.પી. ચોવટીયા,જિલ્લા કલેકટર રચિત રાજ,જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ,પ્રગતિશીલ ખેડૂતો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ જૂનાગઢ ડાયેટના કંચનબેને કરી હતી.  તેમજ સંચાલન ભરત મેસિયાએ કર્યું હતું.

પર્યાવરણ ચિંતન શિબિર પૂર્વે રાજયપાલશ્રીએ બીલખા રોડ સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સંસ્થામાં ચાલતા પ્રકૃતિક ખેતીના પ્રયોગો નિહાળ્યા હતા. આચાર્ય દેવવ્રતજીએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પરિસરની મુલાકાત દરમિયાન શૈક્ષણિક પ્રવૃતિઓ, ચારણ નેસ, મહુડા વન વગેરેની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ગુજરાતના પ્રમુખશ્રી પ્રફુલભાઇ સેંજલિયા  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી કનુભાઇ કરકરે તાલીમ ભવનની પ્રવૃતિની જાણકારી આપી હતી.જૂનાગઢના પ્રવાસે આવેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત કેન્દ્રીય મંત્રી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આયોજીત વિડીયો કોન્ફરન્સમાં સહભાગી થયા હતા.

(1:06 pm IST)