Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મોટીપાનેલી વાયા ધ્રાફા જામજોધપુરનો રોડ સાવ સાંકળો ને વાહન પસાર થાય છે, મોટા અકસ્માતનો ભય

સિંગલ પટ્ટી રોડની બંને સાઇડમા તાત્કાલીક મેટલ ભરવા ઉઠી માંગ

(અતુલ ચગ દ્વારા) મોટીપાનેલી તા.૩૦ : સીદસર વેણુ નદી પર આવેલો પુલ બંધ હોય અને ભારે વરસાદને લીધે સીદસર ડાઈવર્ઝન પણ ધોવાઈ જતા રાજકોટ ઉપલેટા તરફથી જામજોધપુર ભાણવડ ખંભાળીયા તરફ જતા તમામ નાના મોટા વાહનો મોટી પાનેલી થી વાયા વાલાસણ ધ્રાફા થઈને જામજોધપુર જઈ રહ્યા છે.ચોવીસ કલાક હજારો વાહનો આ રોડ પર આવજા કરી રહ્યા છે બસ ટેમ્પો ટ્રેકટર નાના મોટા ફોરવીલ થી માંડી એસટી બસ સહીત મોટી ટ્રાવેલ્સ બસો તેમજ ભારે ભરખમ ખટારા ડમ્પર પણ આ રસ્તા પર થઈનેજ જામજોધપુર ઉપલેટા બાજુ નીકળી રહ્યા હોય મોટી પાનેલીથી ધ્રાફા તરફનો લગભગ આઠ થી દસ કિલોમીટર જેટલો રસ્તો સાવ સાંકળો સિંગલ પટ્ટી રોડ હોય રસ્તાની બન્ને સાઈડોમાં મસમોટા ખાડાઓ અને ચીકણી માટીથી ભરેલી હોય મોટા કે ભારે ભરખમ વાહનો રોડની સાઈડમાં બિલકુલ ઉતરતા ના હોય સામેથી આવતા નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હોય કયારેક તો રોડની નીચે ઘણા વાહનો ઉતરી જતા પણ જોવા મળી રહ્યા હોય સામસામે એકબીજા વાહનો જો રોડની સાઈડમાં ના ઉતરે તો અકસ્માતનો પૂરો સંભવ રહે છે અને જો બે મોટા વાહનો સામસામે આવી જાય તો તો રસ્તો જામ થઇ જાય છે માંડ માંડ કરીને રોડની નીચે ચીકણી માટીમાં લસરી ના જવાય તેવું ધ્યાન રાખી ધીમે ધીમે ક્રોસ થાય છે એવામાં બન્ને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે વરસાદમાં તો પરિસ્થિતિ બેહદ ગંભીર બને છે.

નાના વાહનો અને ટુ વ્હીલર માટે તો જાનનું જોખમ બની રહે છે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સતત બની રહે છે આવી પરિસ્થિતિ માં તંત્રએ ગંભીરતા પૂર્વક સર્વે કરી તાત્કાલિક સિંગલ પટ્ટી રોડની બંને સાઈડોમાં મેટલ ભરી કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ એ પહેલા સત્વરે કામગીરી હાથ ધરવા માંગ ઉઠી છે.

(12:05 pm IST)