Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

કચ્છ જિલ્લામાં છેવાડાના વિસ્તારોમાં પાણીનો પોકાર: બન્ની વિસ્તારમાં માલધારીઓ હિજરત કરવા મજબૂર

પાણીની જ નહીં પણ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં તંત્ર નિષ્ફળ

કચ્છ જિલ્લામાં છેવાડાના વિસ્તારોમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. બન્ની વિસ્તારમાં પાણીના અભાવે માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે.

 કચ્છનો બન્ની વિસ્તારના લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે. અહીંના ગામો સૂમસામ ભાસી રહ્યા છે.અહીં પીવાના પાણીની ભયંકર પરિસ્થિતી છે.અહીંના ઊડઇ ગ્રામ પંચાયતની હદમાં જબરવાઢ, લાખાબો ગામનો સમાવેશ થાય છે. અહીં ગામમાં પ્રાથમિક સુવિધા તો એક બાજુ પણ પીવાનું પાણી પણ નસીબ ન થવાના કારણે અહીંના ૩ ગામોને ૨૫૦ જેટલા પરિવારોને ગામ છોડીને હિજરત કરવાની પરિસ્થિતી ઊભી થઇ છે.

  ગામલોકોના જણાવ્યા પ્રમાણે દર વર્ષે ઉનાળાના સમયે આ જ પરિસ્થિતિ ઉભી થાય છે. ગામના લોકોનો નિભાવ પશુધન પર આધારિત છે, ત્યારે પશુધનને સાચવવા માટે હિજરત કરવાની પરિસ્થિતિ ઉભી થાય છે. આ તમામ પરિવારો ભુજથી ભચાઉ તરફ જતા રસ્તા પર જ્યાં પણ પાણીની વ્યવસ્થા હોય ત્યાં વસવાટ કરે છે. જે ગામમાં થોડા ઘણા પરિવારો હતા તે પરિવારની બહેનો આસપાસમાં રહેલા પાણીના ખાબોચિયામાંથી પાણી ભરતી હતી તે પણ જીવના જોખમે. અહીંના સ્થાનિક લોકો પાણી માટે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.અહીંના માલધારીઓનો આક્ષેપ છે કે માત્ર પાણીની જ નહીં પણ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.

(12:41 am IST)