Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સસ્તાં સોનાના નામે ૧૧ જણે ભાવનગરના વેપારી સાથે ૨.૧૫ કરોડની છેતરપિંડી કરી

કંડલા કસ્ટમે પકડેલું સોનુ સસ્તામાં મળવાની લાલચ આપી દસ જણની ગેંગે ષડયંત્ર ઘડીને ભાવનગરના મેટલ વેપારીને ગાંધીધામ બોલાવી ૨.૧૫ કરોડની છેતરપિંડી કરી: વેપારીને બીવડાવવા માટે અંજારના ત્રણ શખ્સો નકલી પોલીસ બન્યાં

ગાંધીધામઃ કંડલા કસ્ટમે પકડેલું સોનુ સસ્તામાં મળવાની લાલચ આપી દસ જણની ગેંગે ષડયંત્ર ઘડીને ભાવનગરના મેટલ વેપારી જોડે ગાંધીધામ બોલાવી ૨.૧૫ કરોડની છેતરપિંડી કરી હોવાનો બનાવ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે. વેપારીને બીવડાવવા માટે અંજારના ત્રણ શખ્સો નકલી પોલીસ બન્યાં હતા. ભાવનગરની માણેકવાડીમાં રહેતાં ૪૨ ઈમરાન મહમ્મદ હુસેન ધોળિયા મેટલનો વેપાર કરે છે.

રાજકોટમાં રહેતાં જ્વેલર્સ ફિરોઝ સત્તાર ડોસાણી સાથે તેમનો વર્ષોથી પરિચય છે. ફિરોઝની દીકરી અમરેલીના રમીઝ બસીરભાઈ નાગાણી સાથે પરણેલી છે. પંદરેક દિવસ અગાઉ ફિરોઝે ઈમરાનને ફોન કરી જણાવ્યું હતું કે તેમનો જમાઈ અમરેલીમાં જેની સાથે ભાગીદારીમાં શાકભાજીનો ધંધો કરે છે તે અર્જુનભાઈ સોજીત્રાનો એક ઓળખીતો રાજુ નામનો માણસ છે.

રાજુ કંડલા કસ્ટમે પકડેલાં સોનાના બિસ્કિટ જાહેર હરાજીમાં ખરીદી સસ્તાં ભાવે વેચે છે.સંબંધ અને લાલચમાં ઈમરાન ધોળિયા સસ્તામાં સોનુ ખરીદવા તૈયાર થઈ ગયાં હતા.

પ્રથમ તબક્કે આરોપીઓએ તેમને માળિયા નજીક બોલાવી સેમ્પલરૂપે ૫ લાખનું સોનાનું ૧૦૦ ગ્રામનું અસલી બિસ્કીટ આપ્યું હતું.

ફરિયાદીને વિશ્વાસમાં લઈ આરોપીઓએ ગત શનિવારે ઓછામાં ઓછું ૫ કિલો સોનુ ખરીદવું પડશે તેમ કહી ૨.૧૫ કરોડ રૂપિયા રોકડા સાથે ગાંધીધામની માધવ ચેમ્બર્સમાં રાજુભાઈની ઑફિસે બોલાવ્યાં હતા. ઑક્શન માટે કસ્ટમને પહેલાં નાણાં આપવા પડશે તેમ કહી આરોપીઓ ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા લઈ ગયાં હતા. થોડીકવાર બાદ નાણાં લઈને ગયેલાં રાજુના માણસ ધવલ અને મનીષભાઈને પકડીને ત્રણ બુકાનીધારી શખ્સો ઑફિસે આવ્યાં હતા.

ત્રણે જણ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને અમારી ત્રણ માસથી તમારા પર વૉચ હતી તેમ કહી તેમને પકડીને રાજુની નંબર વગરની મહિન્દ્રા એસયુવી કારમાં લઈ ગયાં હતા. ગભરાઈ ગયેલાં ઈમરાનભાઈ પરત ભાવનગર આવી ગયાં હતા.

પાછળથી સ્પષ્ટ થયું હતું કે આ ચીટરોની ગેંગ હતી અને નકલી પોલીસ રેઈડ કરીને રૂપિયા હજમ કરી ગઈ હતી. તપાસમાં સ્પષ્ટ થયેલું કે અર્જુન પ્રદીપ સોજીત્રાએ તેના માણસ તરીકે જે રાજુની ઓળખ આપેલી તે રાજુ હકીકતમાં ગારિયાધારનો રમેશભાઈ દુદાભાઈ રહેવર, રાજુનો માણસ બનેલો ધવલ હકીકતે સાહિલ, મનીષ બનેલો શખ્સ ઈસ્માઈલ દાઉદ લંઘા(રહે. ટંકારા, મોરબી), અબ્દુલ મામદ લંઘા, પોલીસ બનનાર શખ્સ અંજારનો સુલેમાન શેખ અને તેના બે સાગરીતો હતા. ગાંધીધામની માધવ ચેમ્બર્સમાં રાજુની કહેવાતી ઑફિસ હકીકતે ભચાઉના અબ્દુલ મામદ લંઘાની હતી.  બનાવ અંગે તેમણે ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

(11:58 pm IST)