Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ગીર સોમનાથમાં ‘નવી દિશા-નવું ફલક’ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રેરણાં સાથે મળ્યું કારકિર્દી અંગેનું માર્ગદર્શન

મેડિકલ, એન્જિનિયરિંગ, કૃષિ, આર્ટ્સ સહિતના વિવિધ ક્ષેત્ર અંગે વિદ્યાર્થીઓએ રસપૂર્વક કારકિર્દી અંગે મેળવ્યું પ્રેરણાત્મક માર્ગદર્શન

     પ્રભાસ પાટણ :શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે “નવી દિશા - નવું ફલક” હેઠળ કારકિર્દી માર્ગદર્શન અંગેના સેમિનાર સુગ્રથિત સ્વરુપે યોજવામાં આવી રહ્યાં છે. જેના ભાગરુપે ગીર સોમનાથમાં જિલ્લાકક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર મણિબહેન કોટક હાઈસ્કૂલ, વેરાવળ ખાતે યોજાયો હતો.

   આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને દેશપ્રેમની ભાવનાથી સમાજ સેવા કરશો તેવો વર્ચ્યૂઅલ સંદેશો પાઠવ્યો હતો તો શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પણ આવા સેમિનારથી ઘરઆંગણે કૌશલ્યયુક્ત રોજગારી મળી શકશે તેમજ વિવિધ શૈક્ષણિક વ્યવસ્થાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણવાળા વિદ્યાર્થીઓ તૈયાર થશે એમ જણાવ્યું હતું.

    ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત અને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કૃષિ તેમજ પશુપાલનના સહયોગથી યોજાયેલા આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કારકિર્દીને લગતા વિવિધ પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા સમાધાન મેળવ્યું હતું.

    ગીર સોમનાથ કરિયર કાઉન્સેલર અને પ્લેસમેન્ટ ઓફિસર કે.એચ.રામએ વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયમાં કઈ રીતે મહેનત કરીને આગળ વધી શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ રોજગાર સેતુ કારકિર્દી માટે હેલ્પલાઈન ૬૩૫૭૩૯૦૩૯૦ અંતર્ગત રાજ્યમાં વિદ્યાર્થીઓ રોજગારલક્ષી માહિતી, ખાનગી ભરતીમેળા તેમજ કારકિર્દીલક્ષી માહિતી અને માર્ગદર્શન મેળવી શકશે તેમ વધુમાં જણાવ્યું હતું.

    આ તકે જિલ્લા માહિતી મદદનીશ ગૌરાંગ જોશીએ વિદ્યાર્થીઓને સંઘર્ષ અને સફળતા વિશે મોટીવેશનલ સ્પીચ આપી હતી. તેમજ શિક્ષણક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતાર્થે જે યોજનાઓ અમલી છે તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. માહિતી વિભાગના કૌશલ જોશીએ જીંદગીમાં નિષ્ફળતાનું મહત્વ સમજાવી અને નિષ્ફળતા પચાવી કઈ રીતે જિંદગીમાં આગળ વધવું તે અંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો.આ તકે પ્રાંત કચેરી વેરાવળના મનિષાબહેન તથા ડીઈઓ કચેરીના યોગેશ ચાવડાએ SWEEP (મતદાર જાગૃતિ) વિશે પણ તમામ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.

   રાજ્યના ૨૫ જિલ્લાઓમાં યોજાયેલા આ સેમિનારનું પ્રસારણ બાયસેગ, DTH સર્વિસ તેમજ ‘વંદે ગુજરાત’ ચેનલ નં.૯ અને બોર્ડની યૂ ટ્યુબ ચેનલ GSHSEB Gandhinagar તેમજ https://www.facebook.com/kcggujarat/ પરથી કરવામાં આવ્યું હતું.

    જિલ્લા કક્ષાએ યોજાયેલા ઓફલાઈન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્ય અધિકારી ડો.અરુણ રોય, પશુપાલન અધિકારી ડી.એમ.પરમાર, પોલિટેકનિક જુનાગઢના ડો.પ્રકાશ પીઠડિયા અને  એસ.એમ .પટાટ, સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

(11:48 pm IST)