Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ભાવનગરના સેંદરડા ગામે રોજકી ડેમમાં ડૂબી જતાં ચારનાં મોત

પાણીમાં ડૂબવા લાગતા તરૂણને બચાવવા જતાં માતા ,ભાભી અને બેન પણ ડૂબતા ચારેય ના કરૂણ મોત: ખોબા જેવડા ગામમાં ભારે ગમગીની

 ભાવનગર : ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં રોજકી ડેમ માં ગોદડા ધોવા ગયેલી એક પરિવારની બહેનો સાથેનો એક તરુણ પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા ડેમમાં ઝંપલાવનાર બાળકની માતા, બેન અને ભાભી પણ ડૂબી જતા તરુણ સહિત ચારેય ના ડૂબી જતાં કરુણ મોત નિપજયા હતા. આ બનાવથી નાના એવા સેંદરડા ગામમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી હતી.
આ કરૂણાંતિકાની મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખુટવડા નજીક ના સેંદરડા ગામે રહેતા મંગુબેન આણંદભાઈ બારૈયા  અને ગામની પાંચ મહિલાઓ ગામ નજીક આવેલ રોજકી ડેમમાં ગોદડાઓ  ધોવા  માટે ગયા હતા. આ મહિલાઓ સાથે મંગુબેનનો પુત્ર નિકુલ આણંદ ભાઈ બારૈયા( ઉં.વ.૧૪) સાથે આવ્યો હતો. ગામની મહિલાઓ ગોદડાઓ ધોતી હતી તે દરમિયાન નિકુલ પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા પડેલ માતા મંગુબેન આનંદભાઈ  બારૈયા ઉં.વ.45, નીકુલ ની પરણિત બેન દક્ષાબેન મનુભાઈ શિયાળ (ઉં.વ.25) અને નિકુલના ભાભી કાજલબેન પ્રદીપભાઈ બારૈયા (ઉં.વ.25 )એ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું.
પરંતુ આ ત્રણેયને તરતા આવડતું ન હોય પાણી ના પ્રવાહ માં તણાઈ જતા ચારેયના ડૂબી જતા મોત નીપજ્યા હતા. આ સમયે હાજર રહેલ અસ્મિતાબેન નામની મહિલાએ ગ્રામજનોને જાણ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં ખુટવડા પોલીસ સ્ટેશનના પો. સ. ઈ. ગુર્જર તથા સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો.ગામના તરવૈયાઓ અને ફાયરબ્રિગેડના જવાનોએ ચારેય મૃતદેહો બહાર કાઢ્યા હતા ત્યારે ગ્રામ્યજનોમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી હતી અને હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા.
 આ કરૂણાંતિકામાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજતા કોળી પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી છે. અને સમગ્ર પંથકમાં આ બનાવે શોકની લાગણી ફેલાવી છે.

(7:08 pm IST)