Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

જામનગરના એડવોકેટ મનોજભાઇ મણીલાલ અનડકટ હવે પછી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા મેમ્બર તરીકે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩૦ :.. જામનગરના ધુરંધર ધારાશાસ્ત્રી મનોજભાઇ અનડકટની બાર કાઉન્સીલ ઓફ  ઇન્ડીયાના મેમ્બર તરીકે નિમણુંક કરવામાં આવતા ભારે આવકાર મળી રહ્યો છે. અને મનોજભાઇ અનડકટ ઉપર શુભેચ્છા વર્ષા વરસી રહી છે.  બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની અસાધારણ સભા ચેરમેનશ્રી કિશોરકુમાર આર. ત્રિવેદીના અધ્યક્ષ પદે કરવામાં આવેલ જેમાં બાર કાઉન્સીલ ઓફ  ઇન્ડિયાના મેમ્બર શ્રી દિલીપભાઇ કે. પટેલનાઓને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના તમામ મેમ્બરશ્રીઓ દ્વારા રજૂ થયેલ તેમજ એજન્ડા ઉપર ઉંડાણપૂર્વક ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે કે, શ્રી  દિલીપભાઇ કે. પટેલ રાજકોટનાઓને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે રદ કરવામાં આવે છે અને સર્વાનુમતે હવે પછીથી તેઓ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના સભ્ય ગણાશે નહીં.

વધુમાં આ એજન્ડાના ભાગરૃપે સર્વાનુમતે મનોજ એમ. અનડકટ, જામનગરનાઓને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે સર્વાનુમતે ચૂંટીને જાહેર કરવામાં આવેલ છે અને હવે પછીથી તેઓશ્રી મેમ્બર બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની તમામ જવાબદારી અને કામકાજ સંભાળશે.

અન્ય વિષયો ચેરમેનશ્રી તરફથી રજૂ થયેલ. જેમાં ભારત દેશના તમામ જુદા જુદા રાજયોની બાર કાઉન્સીલના કેટલાક પડતર પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરવા તેમજ તે અંગે મીટીંગના અંતે નકકી થયા મુજબ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને અસરકારક રજૂઆત કરવા તમામ રાજયોના બાર કાઉન્સીલના ચેરમેનશ્રીઓ, વાઇસ-ચેરમેનશ્રીઓ તથા અન્ય પ્રતિનિધિઓને આમંત્રણ આપી મીટીંગનું આયોજન કરવામાં આવનાર છે. તે અંગેની તમામ સત્તા ચેરમેનશ્રી વાઇસ-ચેરમેનશ્રી અને એકઝીકયુટીવ ચેરમેનશ્રીને આપવાનું ઠરાવવામાં આવેલ છે. તેમ નિલેષ પંચાલ ઇન-ચાર્જ સેક્રેટરી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની યાદીમાં જણાવાયું છે.

 ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ કન્વીનર અને બાર કાઉન્સીલના સમરસ જુથના નેતા જે. જે. પટેલ છેલ્લા ર૦ વર્ષથી સમરસ જુથનું નેતૃત્વ કરે છે.

મનોજભાઇ અનડકટના મો. ૯૬૩૮પ ૧પ૧૪૭ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(1:57 pm IST)