Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સદ્‌‌ગુરૂ જગ્‍ગી વાસુદેવનું હાલારી પાઘડી-છત્રી-ઢોલના ધબકારે લાલજાજમ બિછાવીને સ્‍વાગત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૩૦ :  વિશ્વના ૨૭ થી વધુ દેશમાં સેવ સોઈલ નામની ઝુંબેશ ચલાવી રહેલા અને ૩૦ હજાર કિલોમીટરનો બાઇકનો પ્રવાસ કરીને પ્રચાર-પ્રસાર કરી રહેલા સદગુરુ જગ્‍ગી વાસુદેવ, કે જેઓનું જામનગરના નવાબંદરની જેટી ઉપર આજે ઉતરાણ કરતી વખતે નવો ઇતિહાસ રચાયો હતો, ત્‍યારે તેઓને લાલ જાજમ બિછાવીને ભવ્‍ય અને અદકેરૂં સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જેમાં હાલારી પાઘડી નો ઠાઠ માઠ, હાલારી છત્રી કાઠીયાવાડી ઢોલ, હાલારી રાસ મંડળી, વગેરેની વિશેષ જમાવટ જોવા મળી હતી.

 સદગુરુ જગ્‍ગી વાસુદેવ ઓમાનથી સ્‍પેશિયલ વાહનમાં જામનગરના બંદરે આવી પહોંચ્‍યા પછી શ્રીજી શિપિંગ કંપનીના લાલ પરિવાર દ્વારા તૈયાર રખાયેલી સ્‍પેશિયલ ટગ મારફતે તેઓને જામનગરના નવા બંદરે લાવવામાં આવ્‍યા હતા, અને તેઓએ જામનગર ની ધરતી પર પગ મૂકયો, ત્‍યારે તેઓનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

 માજી રાજવી પરિવાર- નવાનગર સ્‍ટેટ દ્વારા સદગુરુને આવકારવા માટેની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી, અને સમગ્ર કાર્યક્રમનું નેતળત્‍વ કરી રહેલા માજીરાજવી જામસાહેબ ના પ્રતિનિધિ એકતાબા સોઢા દ્વારા સૌપ્રથમ ભવ્‍ય આવકાર અપાયો હતો, ત્‍યારબાદ સદગુરુ આવકારવા માટે સમગ્ર જેટી પર લાલ જાજમ બિછાવવામાં આવી હતી.

 તેઓના આગમન વેળાએ હાલારી પાઘડી, હાલારી છત્રી, તેમજ કાઠીયાવાડી ઢોલ તથા સૌરાષ્‍ટ્રભર ની જુદી જુદી રાસ મંડળીઓ ના ખેલૈયા ભાઈઓ બહેનો દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી, અને અદકેરું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

સદગુરુને મધદરિયેથી જેટી પર લાવવા માટેની અલાયદી વ્‍યવસ્‍થા ગોઠવાઇ

વિશ્વભરમાં સેવ સોઈલની ઝુંબેશ ચલાવીને ઓમાનથી ભારતની ધરતી પર કદમ મૂકનારા સદગુરુ જગ્‍ગી વાસુદેવ કે  જેઓ ખાસ વહાણ મારફતે જામનગર નજીકના દરિયે આવી પહોંચ્‍યા હતા, ત્‍યારે જામનગરની પ્રખ્‍યાત શ્રીજી શિપિંગ કંપની દ્વારા બે ટગ, બે ફલોટિંગ ક્રેઇન, બે હાઇડ્રા સહિતની તમામ યાંત્રિક મશીનરી સહિતની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવી હતી, અને જે મશીનરી ના માધ્‍યમથી ગુરુદેવ તેમજ તેમનું સ્‍પે. બાઇક વગેરેને જેટી પર ઉતારવા માટેની વ્‍યવસ્‍થા ગોઠવાઇ હતી. તેમજ માત્ર ગણતરીના દિવસોમાં જ કાર્ગોની જેટી ને સંપૂર્ણ પણે સાફ સુથરી બનાવી દઈ લાલ જાજમ બિછાવવામાં માટેની જેટી તૈયાર કરી લેવાઈ હતી.

 જામનગર ના માજી રાજવી હિઝ હોલીનેઝ શત્રુશલ્‍યસિંહજી જાડેજા ના નિમંત્રણને માન આપીને સેવ સોઇલ માટેની વિશ્વભરમાં જુંબેશ ચલાવનારા સદગુરુ જગ્‍ગી વાસુદેવ કે જેઓ આજે જામનગરના મહેમાન બન્‍યા છે, ત્‍યારે જામનગર ના નવાબંદર કે જે માત્ર કાર્ગો જેટી છે, જેને ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયાસોથી એક દિવસ માટે પ્રવાસી જેટી બનાવાઈ હતી, અને એકમાત્ર પ્રવાસી એવા સદગુરુ ને જેટી પર ઉતરાણ કરવા માટેની સમગ્ર વ્‍યવસ્‍થા ગોઠવાઇ હતી. માજી રાજવી ના કહેણથી કાર્યક્રમનું નેતળત્‍વ સંભાળી રહેલા એકતાબા સોઢા સાથે છેલ્લા બે-ત્રણ મહિનાથી મસલતો ચાલ્‍યા પછી જામનગરની શ્રીજી શિપિંગ કંપનીના શ્રી. અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેશભાઇ લાલ, ક્રિષ્‍નરાજ લાલ, અને વિરાજ લાલ વગેરે દ્વારા જામનગરની કાર્ગો જેટી પર ગણતરીના દિવસોમાં જ સુવિધાઓ ઉભી કરી લેવામાં આવી છે.

 જામનગરની જેટી પર માઇલસ્‍ટોન પાવડર, ઉપરાંત કોલસો વગેરે નું કાર્ગો નું કામ ચાલતું હતું, પરંતુ સદગુરુના આગમનને લઇને સમગ્ર જેટી પર શ્રીજી શિપિંગ કંપનીના ૫૫થી વધુ કર્મચારીઓને કામે લગાવાયા હતા, અને નવાબંદર ની જેટીને લાલ જાજમ બિછાવી શકાય તેવી સાફ સુથરી બનાવી લેવામાં આવી હતી.

 એટલ જ માત્ર નહીં સદગુરુ નું વહાણ જેટી થી થોડે દુર ના દરિયામાં ઉભું રહે ત્‍યાંથી તેઓને જેટી પર લાવવા  માટે ની સમગ્ર વ્‍યવસ્‍થા પણ શ્રીજી શિપિંગ કંપની દ્વારા કરવામાં આવી હતી. મધદરિયેથી સદગુરુને નવાબંદરની જેટી ઉપર લાવવા માટે જુદી જુદી બે ટગ તૈયાર રખાઈ હતી, ઉપરાંત બે ફ્‌લોટિંગ ક્રેઇન, કે જેના મદદથી તેઓનું મોટરસાયકલ કેરી ઓન કરીને પગ માં મૂકી કિનારે લાવવા માટેની વ્‍યવસ્‍થા રખાઈ હતી એટલે જ માત્ર નહીં જેટી પર પણ જુદી જુદી બે ક્રેઈનો તૈયાર રખાઈ હતી, અને શ્રીજી શપિંગની ટગ મારફતે ગુરુદેવને જામનગરના નવાબંદર લાવવામાં આવ્‍યા હતા, અને ત્‍યાર પછી તેઓએ જામનગરમાં ઉતરાણ કર્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે પોલેન્‍ડના શરણાર્થીઓ માટે જામનગરની જેટી માજી રાજવી દિગ્‍વિજયસિંહજી દ્વારા ખોલવામાં આવી હતી, અને પોલેન્‍ડના વિદ્યાર્થીઓ સહિતના નાગરિકોને ખોરાક-પાણી નહીં પરંતુ તેઓને લાંબા સમય સુધી રોકવા માટે નો આશરો પણ માજીરાજવી દ્વારા કરાયો હતો, અને તે ઇતિહાસ રચાયો હતો.

 જેનું આજે ફરીથી પુનરાવર્તન થયું છે, અને માજી રાજવી ના જ પ્રયાસોથી અને ભારત ના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ના પ્રયાસોને લઈને કાર્ગો જેટીને ફરીથી સદગુરૂના ઉતરાણ માટે મંજૂરી મળી હતી.

વિશ્વભરમાં એકમાત્ર તૈયાર કરાયેલી રજવાડી કાર તેમજ અન્‍ય ૩ માજી રાજવી પરિવારની રજવાડી કારનો કાફલો સ્‍વાગતમાં જોડાયો

 વિશ્વભરમાં જમીનની ફળદ્રુપતા વધારવા માટે સેવ સીઈલની ઝુંબેશ ચલાવનારા સદગુરુ જગ્‍ગી વાસુદેવ, કે જેઓ જામનગરના માજી રાજવી હિઝ હોલીનેઝ શત્રુશલ્‍યસિંહજી જાડેજાના નિમંત્રણને માન આપીને જામનગરના નવા બંદરે આવી પહોંચ્‍યા હતા, ત્‍યારે તેમના સ્‍વાગત માટે રાજાશાહીના વખત ની રોયલ કારનો કાફલો પણ જોડવામાં આવ્‍યો હતો. જેમાં વિશ્વભરમાં એકમાત્ર મોડલ કહી શકાય તેવી પણ રજવાડી કાર સ્‍વાગતમાં જોડાઇ હતી.

 જર્મનીની વિશ્વ વિખ્‍યાત મર્સિડીઝ કંપનીની મર્સિડીઝ કાર કે જે ૧૯૫૫માં કંપની દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ખાસ કરીને તે કાર ઇરાના એક શાહ માટે બનાવાઈ હતી, પરંતુ તેઓની તબીયત નાદુરસ્‍ત હોવાથી તે કાર મેળવી શકયા ન હતા. ત્‍યારબાદ મર્સિડીઝ કંપની દ્વારા જામનગરના માજી રાજવી શત્રુશલ્‍યસિંહજીનો જે તે વખતે સંપર્ક કરવામાં આવ્‍યો હતો, અને કાર વિશેની જાણકારી આપવામાં આવી હતી.

 જેથી માજી રાજવી શત્રુશલ્‍યસિંહજી જાતે જર્મની પહોંચ્‍યા હતા, ત્‍યાં કારનું નિરીક્ષણ કર્યા પછી તેઓએ તેમાં જરૂરી ફેરફારો કરાવ્‍યા હતા, અને વિશ્વમાં માત્ર એક જ મોડેલ કહી શકાય તેવી કાર કે જેના ભારતમાં જી.જે.વાય.૪૭૫૮ નંબરથી રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું છે, જે રજવાડી કાર ને આજે સદગુરુના સ્‍વાગત માટે જોડવામાં આવી હતી, અને સર્વે નગરજનો માટે આકર્ષણનું કેન્‍દ્ર બની હતી. જેઓની સાથે રાજાશાહીના વખતની અને  વિદેશથી આયાત થયેલી એન્‍ટિક કહી શકાય તેવી અન્‍ય ત્રણ રોયલ કાર પણ જોડવામાં આવી હતી. જે કાર કાફલો ભવ્‍ય સ્‍વાગત માં જોડાયો હતો, અને તે કારની પાછળ પાછળ સદગુરુ પોતાનું બાઇક ચલાવીને વાલસુરાનાં નેવી મથકે પહોંચ્‍યા હતા.

(1:45 pm IST)