Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સ્‍ટેયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેતા પાટડી પાસે ટ્રેકટર ઉંધુ વળતા ખેડૂત આગેવાન દબાઇ જતા મોત

વઢવાણ તા. ૩૦ : પાટડી તાલુકાના સુરજપુરામાં ટ્રેક્‍ટર પલ્‍ટી ખાઇ જતા ટ્રેક્‍ટર નીચે દબાઇ જવાથી ખેડૂતનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. પોતાના ખેતરમાં જતા સમયે તલાવડીની ખાડમાં ટ્રેક્‍ટર પલટી ખાઇ જતા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્‍થળે જ મોત નિપજયું હતુ.

ખેડૂત આગેવાન રમેશભાઇ કાંતીભાઇ જાકાસણીયા રોજના નિત્‍યક્રમ પ્રમાણે પોતાના ઘરેથી ટાફે કંપનીનું મેસી ફર્ગ્‍યુસન ટ્રેક્‍ટર નં- GJ-13-EE-4989 વાળુ લઇને પાટડી શડલા રોડ પર પોતાના ખેતરે જઇ રહ્યાં હતા. ત્‍યારે પુરઝડપે જઇ રહેલા ટ્રેક્‍ટરના સ્‍ટિયરિંગ પરનો કાબુ અચાનક ગુમાવી દેતાં પાટડી શડલા રોડ પર મામાની તલાવડીની ખાડમાં ટ્રેક્‍ટર પલ્‍ટી ખાઇ ગયું હતું. જેમાં ટ્રેક્‍ટર ચાલક રમેશભાઇ કાંતીભાઇ જાકાસણીયા ટ્રેક્‍ટર નીચે દબાઇ જતાં એમને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજયું હતુ. આ ગોઝારી ઘટનાની જાણ થતાં આજુબાજુના ખેતરમાંથી લોકો ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા.

પોલીસે મૃતક રમેશભાઇ કાંતીભાઇ જાકાસણીયાની લાશ પોસ્‍ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્‍પિટલે મોકલી આપી અકસ્‍માતે મોત અંગેનો ગુન્‍હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલિસ સ્‍ટાફના પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.

(11:30 am IST)