Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

યાત્રાધામ વિરપુરના સિમ વિસ્‍તારમાં ચોર ગેંગનો તરખાટઃ ૨૦૦ ખેડૂતોના કેબલો કપાયા...

વીરપુર (જલારામ) તા.૩૦: સૌરાષ્ટ્રનું જગવિખ્‍યાત યાત્રાધામ વીરપુરમાં ખેડૂતોની મુશ્‍કેલીઓમાં વધારો થયો છે કારણ કે યાત્રાધામના સિમ વિસ્‍તારોમાં અનેક ચોરીના બનાવો બની રહ્યા છે,

જગતાત ખેડૂતો પોતાના ખેતરમાં દિવસ રાત એક કરીને મહા મહેનતે પાકનું ઉત્‍પાદન કરતા હોય છે પરંતુ પાક ઉત્‍પાદનમાં ખેડૂતોને અનેક કુદરતી કે કૃત્રિમ મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હોય છે પછી એ વાતાવરણની મુશ્‍કેલીઓ હોય કે પછી વીજળીની સમસ્‍યાઓ કે નિલગાયોનો,ભૂંડનો ત્રાસ ત્‍યારે વીરપુરના ખેડૂતોને વધુ એક મુશ્‍કેલી નો સામનો કરવાનો વારો આવ્‍યો છે કારણ કે છેલ્લા ૨૦ થી ૨૫ દિવસ થી વીરપુરની સિમ વિસ્‍તારોમાં વાડીની અને દારની સમ્‍બસીબલ મોટરોના કેબલો કાપીને ચોરી જતા કેબલ ચોર ગેંગનો ત્રાસ વધી ગયો છે,વીરપુરની ચારેય દિશાની સિમ વિસ્‍તાર જેવીકે આહોબા સિમ, ડેમ સિમ વિસ્‍તાર, બધુડિયા સિમ અને ઠોઠ સિમ વિસ્‍તારના ૨૦૦ જેટલા ખેડૂતોના વાડીના સબમર્શીબલ મોટરના અને દારની સબમર્શીબલ મોટરના કોપર કેબલ કાપીને ચોરી કરી જતા હોવાની ફરિયાદો ઉઠી છે.

ખેડૂતોના જણાવ્‍યા મુજબ ઉનાળાનો સમય હોવાથી બહુ ઓછા ખેડૂતો પોતાની વાડીએ કે ખેતરે જતા હોય છે જેમને લઈને તે ફાયદો ઉઠાવીને કેબલ ચોરો સક્રિય થતા હોય છે તેમજ સમ્‍બસીબલ મોટર ચાલુ કરવા માટે મોટર સ્‍ટાર્ટર થી સમ્‍બસીબલ મોટર સુધી કોપરનો કેબલ હોય છે બજારમાં કોપરની કિંમત વધુ મળતી હોવાથી આવી કેબલ ચોર ગેંગ સક્રિય થઈ છે જેમને લઈને ખેડૂતો મુશ્‍કેલીઓમાં વધારો થયો છે ત્‍યારે વીરપુર પંથકના કેટલાક ખેડૂતોએ કેબલ ચોરો સામે પોલીસ ફરિયાદો પણ કરી છે પરંતુ વીરપુર પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્‍યા ત્‍યારે આવી કેબલ ચોર ગેંગને તાત્‍કાલિક પકડવામાં આવે અને પોલીસ દ્વારા વધુ સઘન પેટ્રોલીંગ કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્‍છી રહ્યા છે જેથી ખેડૂતોને વારંવાર મોંઘા ભાવના કેબલોનો ખર્ચ ન કરવો પડે.

(11:53 am IST)