Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સુરેન્‍દ્રનગર બસ સ્‍ટેશનમાં શિક્ષકનો ચેઇન ચોરનાર રાજકોટના ત્રણ શખ્‍સો ઝડપાયા

વઢવાણ,તા.૩૦ : સુરેન્‍દ્રનગર શહેરનું એસ.ટી. બસ મથક જાણે તસ્‍કરો માટે મોકળુ મેદાન બની ગયુ હોય તેમ અવારનવાર પાકીટ ચોરાવાના, મોબાઈલ ચોરીના અને ઘરેણા ચોરીના બનાવો બને છે. ત્‍યારે તાજેતરમાં બસ સ્‍ટેશનમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે.

  માહીતી મુજબ તા. ૭મેના રોજ મુળ મુળી તાલુકાન શેખપરના અને હાલ લીંબડી રહેતા નિવળત શિક્ષક હીરાભાઈ ઉકાભાઈ મકવાણા બસ સ્‍ટેશનથી બસમાં બેસી લીંબડી જતા હતા. ત્‍યારે બસમાં ચડતા સમયે કોઈએ ખિસ્‍સામાં રહેલ રૂપીયા ૮૦ હજારની કિંમતના સોનાના ચેનની ઉઠાંતરી કરી હતી. 

ત્‍યારે બી ડિવીઝન પીએસઆઈ આર.જી.ઝાલા સહીતનાઓએ બસ સ્‍ટેશન બહારના સીસીટીવી કેમેરા ચેક કરતા એક શંકાસ્‍પદ ઈકો કાર નજરે પડી હતી. આથી કારના નંબર પરથી તપાસ કરીને પોલીસે રાજકોટના રૂખડીયાપરામાં રહેતા કાદર હારૂનભાઈ મમાણી, રાજકોટના જામનગર રોડ પર આવેલ સીધ્‍ધી એપાર્ટમેન્‍ટમાં રહેતા કૈલાસ હસમુખભાઈ ધામેચા અને હસમુખ વલ્લભભાઈ ધામેચાને ઝડપી લીધા હતા.

આ શખ્‍સો પાસેથી ચોરાયેલો સોનાનો ચેન અને ગુનાના કામે વાપરવામાં આવેલ ઈકો કાર સહીત રૂપીયા ૨ લાખથી વધુનો મુદ્દામાલ  કબજે કરાયો છે.

(11:27 am IST)