Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

થાન મામલતદાર લાવડીયાનો સરોડી ગામે દરોડોઃ ત્રણ લીઝ સીલઃ ર૧ લાખનો મુદામાલ જપ્‍તઃ ખાણ ખનીજને રીપોર્ટ

કલેકટરની સુચના બાદ રવિવારે ટીમો ત્રાટકીઃ અનેક ગેરરિતીઓ બહાર આવતાં તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૩૦: સુરેન્‍દ્રનગર કલેકટર અને પ્રાંત અધિકારી ચોટીલાના માર્ગદર્શન હેઠળ થાનગઢ તાલુકામાં ખનીજોની આવેલ લીઝ હોલ્‍ડરો દ્વારા મોટાપાયે ગુજરાત ગૌણ ખનીજ છુટછાટ નિયમો-ર૦૧૭ના નિયમો વિરૂધ્‍ધ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોય, લીઝોની તપાસ કરવા સુચના થતાં થાન મામલતદાર તથા સ્‍ટાફ દ્વારા દરોડો પાડવામાં આવેલ હતો. જેમાં રામાભાઇ લાખાભાઇ કુકડીયા, દિનેશભાઇ અમરશીભાઇ બાંભણીયા, માલદેવભાઇ રણમલભાઇ બોખીરીયાની લીઝોમાં ચેકીંગ કરાયું હતું.

ઉકત લીઝો સેન્‍ડસ્‍ટોન ખનીજની આપવામાં આવેલ છે. જે થાનગઢ તાલુકાના મોજે સરોડી ગામમાં સરકારી ખરાબાનાં સર્વે નંબર ૧૮૮ પૈકિ, ૧૧૯ પૈકી, ૧૧૯ પૈકીમાં લીઝ અનુક્રમે હે. ૧-૦૦-૦૦ ચો.મી. હે. ર-૦૦-૦૦ ચો.મી., તથા હે. ૧-૦૦-૦૦ ચો.મી. વિસ્‍તારની આવેલ છે.

વિગતવાર તપાસ કરવામાં આવતા અને ગંભીર ગેરરીતી જણાય આવેલ હતી. તળાવ, નહેર, કે અન્‍ય જળમંડળથી ૧ કિ.મી. વિસ્‍તારમાં ખાણકામ ન કરવા ગુજરાત ગૌણ ખનીજ છુટછાટ નિયમો-ર૦૧૭થી જોગવાઇ છતાં સરોડી ગામનાં તળાવથી ૧ કી.મી.ની હદમાં ખાણકામ ધમધમતું જોવા મળેલ. જેના કારણે જળસૃષ્‍ટિના જળચરો-વનસ્‍પતિના અસ્‍તિત્‍વને ખતરો પહોંચાડીને પર્યાવરણને નુકસાન પહોંચાડયાનું બહાર આવ્‍યું હતું.

લીઝ હોલ્‍ડરોએ ઉકત નિયમ-ર૦૧૭ના નિયમ-૧પ(૧૭) (ક થી દ) મુજબનું તારીખ પ્રમાણે ઉત્‍પાદન અને રવાનગી રજીસ્‍ટર, મજૂરોનું હાજરીપત્રક, મેળવેલ નાણાં, બિનવેચાણપાત્ર ખનીઝો વિગેરે રેકડર્ઠ, હિસાબી સાહિત્‍ય નિભાવવાનું હોય છે. તેમ છતાં આવું કોઇપણ જાતનું રેકર્ડ તપાસણી સમયે રજુ થયેલ નથી. તંત્રની કામગીરીનો અહેવાલ તારીખવાર લોગબુકમાં નિભાવવાનો રહે છે, જે તપાસણી સમયે રજુ કરેલ નથી જેથી ખરેખર વપરાશની વિગતો છુપાવવાનો આશય જણાયો હતો.

ઉકત નિયમો-ર૦૧૭નાં નિયમ-૪૪ તથા ૪પ મુજબ સરકારની પૂર્વમંજુરી વિના લીઝ કોઇપણ વ્‍યકિતને તબદીલ કરી શકે નહિં. તેમ છતાં ર (બે) લીઝ હોલ્‍ડરો પાવર ઓફ એટર્નીથી લીઝની તબદીલી, કબ્‍જો અન્‍ય વ્‍યકિતને સોંપી જોગવાઇઓનું ઉલ્લંઘન કરતાં માલુમ પડેલ છે, તેમ મામલતદાર થાનની લાવડીયાએ ઉમેર્યું હતું.

ઉકત વિગતે ગંભીર ગેરરીતીઓ આચરતાં, ત્રણેય લીઝોને સીલ મારી રૂા. ર૧ લાખનો મુદ્દામાલ જપ્‍ત કરવામાં આવેલ છે.

વધુમાં ઉકત ત્રણેય લીઝો રીન્‍યુ ન કરતાં ખાણપટ્ટો રદ્દ કરવા મદદનીશ ભૂસ્‍તરશાષાીશ્રી, સુરેન્‍દ્રનગરને અહેવાલ કરવામાં આવેલ છે. અને તેઓ દ્વારા ખનીજનું કરેલ વેચાણ મુજબ જ ખાણપટ્ટામાં ખનન થયેલ છે કે કેમ? તે માટે મેનેજરમેન્‍ટ કરી, તપાસ કરવાં તથા માઇનીંગ પ્‍લન પ્રમાણે ખાણપટ્ટાનું ખનન થયેલ છે કે કેમ? તે સઘળી બાબતે ઉંડાણથી તપાસ કરવા પણ ખાણખનીજ વિભાગને અહેવાલ કરવામાં આવેલ છે.

(11:25 am IST)