Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

કેશોદમાંથી પસાર થતી તમામ ટ્રેઇનોમાં બુધવારથી જનરલ ડબ્‍બામાં મુસાફરી થઇ શકશે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૩૦ :.. સ્‍થાનિક કેશોદમાંથી પસાર થતી કેટલીક એકસપ્રેસ ટ્રેઇનોમાં જનરલ કોચ હોવા છતાં જનરલ કોચમાં બેસી અને મુસાફરી કરવા મળતી ન હતી. પરંતુ આગામી ૧ જુના બુધવારથી આ નિયમમાં ફેરફાર થાય છે અને કેશોદમાંથી પસાર થતી તમામ ટ્રેઇનોના જનરલ કોચમાં સામાન્‍ય ટીકીટના દરે ગમે તેટલા મુસાફરોને મુસાફરી કરવા મળશે.
રેલ્‍વેના સ્‍થાનીક વર્તુળોના જણાવ્‍યા મુજબ કોરોનાના કારણે (૧) સોમનાથ-ઓખા એકસપ્રેસ (ર) ઓખા-સોમનાથ એકસપ્રેસ (૩) અમદાવાદ-વેરાવળ સુપર ફાસ્‍ટ (૪) વેરાવળ-અમદાવાદા સુપર ફાસ્‍ટ (પ) વેરાવળ-ઇન્‍દોર એકસપ્રેસ (૬) ઇન્‍દોર વેરાવળ એકસપ્રેસ (૭) સોમનાથ-જબલપુર એકસપ્રેસ (૮) જબલપુર - સોમનાથ એકસપ્રેસ (૯) અમદાવાદ-સોમનાથ એકસપ્રેસ (૧૦) સોમનાથ-અમદાવાદ એકસપ્રેસ ટ્રેઇનોમાં જનરલ કોચમાં જવા માટે ટ્રેઇનના ટાઇમે ટિકીટ મળતી ન હતી અને રીઝવેશન અગાઉથી કરાવવુ પડતું હતું. ઉપરાંત ૧પ રૂા. વધારાના પણ આપવા પડતા હતાં.
પરંતુ રેલ્‍વેએ તા. ૧-૬-રર ને બુધવારથી અગાઉનો આ નિયમ રદ કરી ઉપરોકત બધી ટ્રેઇનોમાં ટ્રેઇનના ટાઇમે જ ટિકીટ મેળવી મુસાફર જે તે ટ્રેઇનમાં અગાઉની જેમ જ મુસાફરી કરી શકે તેવી સગવડતા કરી શરૂ કરી દીધી છે.
કોરોનાના કારણે રેલ્‍વેએ લાદેલા ઉપરોકત નિયમના કારણે સામાન્‍ય મુસાફરો ભારે હાલાકી અનુભવતા મુંબઇ કે તેથી આગળના સ્‍ટેશનો ઉપર જવા માગતા આ વિસ્‍તાર સહિત માંગરોળ - માધવપુર તરફના ઘણા મુસાફરો નિયમની જાણકારીના અભાવે જે તે ટ્રેઇનના સમયે પહોંચી જતા અને ટીકીટ લેવા જાય ત્‍યારે ટીકીટ મળતી ન હતી. અને ત્‍યારે તેનું સામા સ્‍ટેશને પહોંચવાનું અને અન્‍ય તમામ કામગીરી ખોરવાય જતી હતી. પરંતુ તા. ૧ જુન બુધવારથી આ ફેરફાર થતા આ મુશ્‍કેલી દૂર થશે.
આ ફેરફારમાં પણ ઇન્‍દોર - વેરાવળ અને વેરાવળ ઇન્‍દોરમાં ૭ જુનથી, જબલપુર-સોમનાથ ૩ જૂનથી, સોમનાથ-જબલપુર-૪ જુનથી અને અમદાવાદ-સોમનાથ ૬ જુનથી ઉપરોકત ફેરફાર અમલી બનશે બાકીની ટ્રેઇનોમાં તો ૧ જુનથી જ અમલ થઇ જનાર છે.
ઉપરોકત ફેરફાર સાથે સ્‍થાનિક કેશોદ ને લાગે વળગે છે ત્‍યાં સુધી ઉપરોકત ટ્રેઇનોમાં જનરલ કોચમાં જતા આવા મુસાફરોનો સરવાળો કરીએ તો લગભગ પ૦૦ ના આંકડે પહોંચી જતો. આ બધાને ફરજીયાત  એસ. ટી. કે અન્‍ય વાહનોનો ડબલ ભાડા આપી આશરે લેવો પડતો જેથી હેરાનગતી અને આર્થિક માર પણ ઠીકઠીક પ્રમાણમાં પડતો. પરંતુ અન્‍ય કોઇ વિકલ્‍પનો અભાવ અને રેલ્‍વેનું તંત્ર જેથી મુંગે મોઢે સહન કરી ફરજીયાત મુસાફરી અન્‍ય વાહનોમાં કરતાં.

 

(10:58 am IST)