Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

કેન્દ્રીય ગૃહ અમિતભાઈ શાહના હસ્તે કચ્છ જિલ્લામાં પોલીસ માટેના રહેણાંક અને બિન રહેણાંક આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું

પૂર્વ-પશ્ચિમ કચ્છમાં પોલીસ વિભાગ માટે રૂ.૧૪.૫૮ કરોડના ખર્ચે નવનિર્મિત ભવનોનું લોકાર્પણ કરાયું :;રાજ્ય સરકારે પોલીસ વિભાગને અપડેટ કર્યો છે જેના લીધે પોલીસની કાર્યદક્ષતામાં વધારો થયો છે : વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૩૦

 કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ગુજરાતના અલગ અલગ ૨૫ જિલ્લામાં પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાંક આવાસો સહિત પોલીસ વિભાગ સાથે સંબંધિત વિવિધ પ્રકલ્પોનું ખેડા જિલ્લાના નડીયાદથી વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણના ભાગરૂપે પૂર્વ કચ્છના વિવિધ પોલીસના આવાસોનું પણ લોકાર્પણ પોલીસ મુખ્ય મથક શિણાય ખાતે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નિમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં લાકડીયા પોલીસ સ્ટેશન રૂ.૯૨,૬૧,૦૧૯ના ખર્ચે તો અંજાર પોલીસ લાઈન ક્વાર્ટસ રૂ.૨,૯૧,૨૬,૨૧૧ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત, પૂર્વ કચ્છમાં જ પોલીસ વિભાગ માટે એમ.ટી. સેક્શન રૂ. ૨,૬૧,૧૨,૫૬૩ ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે આરપીઆઈ એડમિન બિલ્ડિંગ, આર્મ્સ એમ્યુનેશન રૂમ, બેરેક, ડીસ્પેન્સરી સેન્ટર, બેન્ડ રૂમ તથા ડીટીસી સેન્ટર માટે વિવિધ ઈમારતો રૂ.૪,૪૪,૫૬,૮૨૬ના ખર્ચે નિર્માણ કરાઈ છે. આમ પૂર્વ કચ્છમાં રૂ.૧૦.૮૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પોલીસ ભવનના રહેણાંક અને બિન રહેણાંક આવાસોનું લોકાર્પણ કરાયું છે. શિણાય પોલીસ મુખ્ય મથકના લોકાર્પણ કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.   

 

રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાના પોલીસ વિભાગને અત્યાધુનિક બનાવવા માટે પશ્ચિમ કચ્છમાં માંડવી ખાતે નેકસ્ટ જનરેશન પોલીસ સ્ટેશન રૂ.૨.૧૯ કરોડ, દયાપર પોલીસ સ્ટેશન રૂ.૭૫ કરોડ  અને નરા પોલીસ સ્ટેશન રૂ.૭૪.૫૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે જેનું વર્ચ્યુઅલી લોકાર્પણ ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે માંડવીના જી.ટી.ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ ઉપસ્થિત સૌ નાગરિકોએ સાથે મળીને નિહાળ્યો હતો. માંડવી ખાતેનો લોકાર્પણ કાર્યક્રમ મુખ્ય અતિથી કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ ઉપરાંત, માંડવી-મુંદ્રાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ લોકાર્પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. 

 

પૂર્વ કચ્છના પોલીસ મુખ્ય મથક શિણાય ખાતેના લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ. નીમાબેન આચાર્યે જણાવ્યું કે, સૌથી પહેલા આવાસોનો ખ્યાલ, પોલીસના સ્વાસ્થ્યનો ખ્યાલ વિશે કોઈએ પણ વિચાર મૂક્યો હોય તો તેઓ આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ છે. જે ખ્યાલ આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં સાકાર થઈ રહ્યો છે. પોલીસ પાસે પહેલા કોઈ માળખાકીય સુવિધાઓ નહોતી પણ હવે નવી સુવિધાઓ સાથે સરકાર પૂરેપુરૂં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલીસ વિભાગને આપી રહી છે. આખા દેશમાંથી ઈન્વેસ્ટિગેશન માટે ગુજરાતની મદદ લેવામાં આવી રહી છે એવું જોરદાર માળખું અહીં રાજ્ય સરકાર દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. સરકારે જે રીતે પોલીસ વિભાગને અપડેટ કર્યો છે તેના લીધે પોલીસની કાર્યદક્ષતામાં વધારો થયો છે. 

 

તેઓએ વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકારે મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી કરી છે. પોલીસ દિવસ રાત કામ કરે છે ત્યારે તેમને આવાસ યોજના જેવી સુવિધાઓ મળવાથી તેઓ વધુ સારી રીતે કામ કરી શકશે. જેમ જેમ ક્રાઈમ વધતા ગયા છે તેમ તેમ સરકારે પોલીસ વિભાગને પણ ક્રાઈમ ડિટેક્શનની કામગીરી માટે અપડેટ કર્યો છે. જેના પરિણામે ગુજરાતમાં સારી રીતે ક્રાઈમ ડિટેક્શન શક્ય બન્યું છે. 

 

અંજારના ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિરે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યમાં તમામ સરકારી વિભાગમાં સૌથી વધુ પરિશ્રમ કરનારો કોઈ સરકારી વિભાગ હોય તો તે પોલીસ વિભાગ છે. પોલીસ વિભાગમાં આમૂલ પરિવર્તન લાવવા વડાપ્રધાનશ્રીએ સંકલ્પ લીધો હતો અને તેના લીધે જ ગુજરાતના 33 જિલ્લા સહિત પૂર્વ કચ્છમાં 10 કરોડથી વધુના ખર્ચે પોલીસ વિભાગ માટે વિવિધકાર્યોનું લોકાર્પણ થઈ રહ્યું છે. 

 

 

ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિરે કચ્છ પોલીસ વિભાગની કામગીરીને બિરદાવતા કહ્યું કે, આધુનિક વાહનો અને આધુનિક હથિયારો સાથેની સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં પ્રાવધાન કરીને પોલીસ વિભાગ માટે ફાળવવામાં આવી રહી છે. પોલીસ વિભાગમાં સરકારના પ્રયાસોને લીધે ઘણા ફેરફાર પોલીસના મહેકમ અને પોલીસની કામ કરવાની પદ્ધતિને લઈને થયા છે. આમ આ પ્રસંગે વાસણભાઈ આહિરે નવા પોલીસ આવાસોની ભેટ મળતા તમામ પોલીસ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.    

 

આ કાર્યક્રમમાં ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી વણવીરભાઈ રાજપૂત, ગાંધીધામ નગર પાલિકા પ્રમુખ શ્રીમતિ ઈશિતાબેન ટિલવાણી, અંજાર નગર પાલિકા પ્રમુખ શ્રીમતિ લીલાવતીબેન પ્રજાપતિ, ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ કલાવતીબેન જોષી, રાપર તાલુકા પ્રમુખશ્રી હમીરજી સોઢા, બોર્ડર રેન્જ આઈજીશ્રી જે આર મોથાલીયા, કચ્છ  કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સહિતના અગ્રણીઓ,પદાધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

 

જ્યારે પશ્ચિમ કચ્છના માંડવી ખાતેના લોકાપર્ણ કાર્યક્રમમાં માંડવી નગરપાલિકા પ્રમુખશ્રી હેતલબેન સોનેજી, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી, પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ સૌરભ સિંઘ, ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી અતિરાગ ચપલોત, અબડાસા પ્રાંત અધિકારી શ્રી પ્રવિણસિંહ જૈતાવત સહિત અન્ય અગ્રણીઓ, પદાધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(10:16 am IST)