Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ભુજના આધ્યાત્મિક વિકાસમાં રામકૃષ્ણ મઠનું મોટું યોગદાન રહેશે: ડો.નીમાબેન આચાર્ય

રામકૃષ્ણ બેલુર મઠ શાખા ભુજના શુભારંભ સાથે વિશ્વમાં ૨૬૬ મું અને દેશમાં ૨૦૦ મું સેન્ટર, મઠ કચ્છમાં બિંદુમાંથી સિંધુ બન્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૩૦

 સ્વામી વિવેકાનંદજી દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા રામકૃષ્ણ મઠ, બેલુર-મઠની શાખા ભુજનો શુભારંભ થયો છે.

શ્રી રામકૃષ્ણ યુવક મંડળ ભુજ અને ભુજ નગરપાલિકાના સંયુકત ઉપક્રમે ભુજ ટાઉનહોલ ખાતે યોજાયેલા શુભારંભ સમારોહમાં બેલુર મઠ-રામકૃષ્ણ મિશન મઠના સ્વામી બોધ સારાનંદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયો હતો. ૫૩વર્ષ થી સક્રિય રામકૃષ્ણ મઠ કરછમાં બિંદુ થી સિંધુ બન્યો છે એમ સ્વામીજી એ આર્શીવચનમાં કહ્યું હતું.

આ શુભારંભમાં બોલતા વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતિ ૧લી મે-૨૦૨૨થી લઇ મે ૨૦૨૩ સુધી વિવિધ ઉત્સવો મનાવશે. જેમાં ભુજ મઠનો પ્રારંભ સેન્ટર વિશ્વમાં ૨૬૬મું અને દેશમાં ૨૦૦મું સેન્ટર ભુજનું પ્રારંભ થઇ રહયું છે.  ગઇકાલે અમે રામકૃષ્ણ મઠના દર્શન કર્યાને આજે ભુજમાં આ મઠનો પ્રારંભ થઇ રહયો છે. ભુજ દેવભૂમિ છે. ભવ્ય અને દિવ્ય ભુજ મંદિરોની નગરી છે જેમાં આ પ્રેરણાદાયી ધામથી ભુજના આધ્યાત્મિક વિકાસમાં રામકૃષ્ણ મઠનું મોટું યોગદાન રહેશે.

વિરાટ વિભૂતિ નરેન્દ્રને ગુરૂ રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ વિશ્વને આપ્યાં જોગાનુંજોગ આપણા વડાપ્રધાનશ્રી પણ નરેન્દ્રભાઇ નામ ધરાવે છે. સ્વામી વિવેકાનંદનો કઠોર પરિશ્રમ, સત્યની સામે,  ફર્મ ડીસીઝન આ ત્રણ પ્રેરણાદાયી વાતો યુવાઓ માટે પણ પ્રેરણાદાયી છે.

વન પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીના આર્શીવચન બેલુર મઠના બોધસારાનંદજીના મળ્યા છે. સર્વ સંતોના ચરણોમાં વંદન અને તેમનાં આપણને આર્શીવાદ. ભુજ ખાતે રામકૃષ્ણ બેલુર મઠનો આરંભ કોઇપણ સ્વાર્થ વગર ગરીબો, પીડિતો માટે કામ કરતી સંસ્થા રામકૃષ્ણ મઠ છે. શિક્ષિત, સમૃધ્ધ, આયોજનબધ્ધ કામ કરનારા સંતો મહંતોથી ચાલતો મઠ, વંદનીય છે. ભુજ પણ ભૂકંપથી બેઠું થયું છે. સેવા-દાનથી સંતો સેવકો સમાજની સેવા કરે છે. મળેલી તકનો લાભ લઇ લોકોપયોગી બનીએ. ઠાકુરજીના આર્શીવાદથી ભૂકંપમાં ૧૨૪ સ્કુલોનું નિર્માણ, વિવિધ સેવાકીય પ્રવૃતિ થઇ હતી. લીમડીમાં મઠ દ્વારા અપાયેલ સેવા, શિક્ષણ, સંસ્કાર, જ્ઞાન આર્વણનીય છે. આ વિસ્તારને પણ હવે સેવાનો લાભ મળશે.

આ તકે વન પર્યાવરણ કલાયમેટ ચેન્જ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ રૂ.૧.૫૧ લાખનું દાન અને આમતક, ભુજના તંત્રીશ્રી વિજય ઘેલાણી પરિવાર તરફથી રૂ.૫૧ હજારનું અને રૂ.૧.૧૧ લાખ કંડલા ટીમ્બર એસોસિએશન  દ્વારા દાન રામકૃષ્ણ મઠ ભુજને અર્પણ કર્યુ હતું.

આ તકે સર્વે સ્વામીશ્રી સ્વામી આત્માદિયાનંદજી, નિખિલેશ્વરાનંદજી, સુમાનંદ, શ્રી કેશવ ગોરે સ્વાગત પ્રવચન કર્યુ હતું. તેમજ આભારવિધિ સ્વામી ઈષ્ટમયાનંદજીએ કરી હતી.

આ તકે સમગ્ર રાજયના પ્રાંતઃ સ્મરણીય સંત સર્વશ્રી સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી આત્મદિયાનંદજી, ઈષ્ટમયાનંદજી, સ્વામી સેવાવ્રતાનંદજી સ્વામી મંત્રેશાનંદજી, ભુજના રામકૃષ્ણ મઠના અધયક્ષશ્રી સ્વામી સુખાનંદ, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, શ્રી રામકૃષ્ણ યુવક મંડળ ભુજના પ્રમુખશ્રી કેશવભાઇ કે.ગોર, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામ ઠકકર અને મઠના અનુયાયીઓ અને સુજ્ઞ નગરજનો આ પ્રસંગે શ્રધ્ધાભેર ઉપસ્થિત રહયા હતા.

(9:37 am IST)