Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ગયા શનિવારથી ગૂમ નવાગઢના કાનજી મુંધવાની સરધારપુરના કૂવામાંથી લાશ મળી

ભેંસ ચરાવવા ગયો ત્યાંથી લગ્નમાં જમવા જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ હતોઃ એક મહિના પહેલા જ લગ્ન થયા'તાઃ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૯: જેતપુરના નવગઢમાં પટેલ ડાઇંગ પાસે રહેતો કાનજી ભીખાભાઇ મુંધવા (ઉ.વ.૩૫) નામનો ભરવાડ યુવાન ગયા શનિવારે નજીકના સરધારપુર ગામની સીમમાં ભેંસો ચરાવવા ગયો ત્યાંથી લગ્નમાં જમવા જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થઇ ગયો હતો. તેની ગત સાંજે સરધારપુરની વાડીના કૂવામાંથી લાશ મળતાં પરિાવરમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ નવાગઢ રહેતો કાનજી ગયા શનિવારે સવારે ઘરેથી ભેંસો ચરાવવા સરધારપુરની સીમમાં ગયો હતો. ત્યાંથી બપોરે એક પરિચીતને ભેંસોનું ધ્યાન રાખવાનું કહી પોતે લગ્નમાં જમવા જવાનું કહીને નીકળ્યો હતો. એ પછી તે પાછો ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પત્તો ન મળતાં ગૂમ થયાની પોલીસમાં જાણ કરી હતી.

દિવસો સુધી કાનજીનો કોઇ પત્તો ન મળતાં પરિવારજનો આકુળવ્યાકુળ થઇ શોધખોળ કરી રહ્યા હતાં. દરમિયાન ગઇકાલે સાંજે સરધારપુરના ભીમભાઇની વાડીના કૂવામાંથી કાનજીનો કોહવાયેલો ફુલાયેલો મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. કાનજી ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના લગ્ન હજુ એક મહિન પહેલા જ ઉમવાડાની સોનલ સાથે થયા હતાં. કાનજીએ આપઘાત કર્યો કે અન્ય કંઇ બન્યું? તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કાર્યવાહી કરશે.

(11:54 am IST)