Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ખંભાળીયા-દ્વારકા હાઇવેનું કામ કરતી જયહિન્દ બિલ્ડકોન કંપનીના કોન્ટ્રાકટરની લાખોની ખનીજ ચોરી ઝડપાઇ

હરીપર નજીક બેફામ પણે મોરમનું ખનન કરી હાઇવેના બુરાણામાં નખાતું હતું: સાત ટ્રક-ડમ્પર, એકસકેવેટર સહિત ૧.પ૦ કરોડનો મુદામાલ જપ્ત કરાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૭ :.. હરીપર ગામે આવેલા તળાવમાંથી ગેરકાયદેસર રીતે મોરમનું ખનન કરી બેરોકટોક પરિવહનકરતા દ્વારકા હાઇવેનું કામ કરનાર જયહિન્દ બિલ્ડકોન પ્રા. લિ. કંપનીના કોન્ટ્રાકટર તથા ડમ્પર માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી અને ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પરથી ૮૦ર૯ મેટ્રીક ટન મોરમ તથા સાત જેટલા ટ્રક-ડમ્પર તેમજ એકસકેવેટર સહિત ૧.પ૦ કરોડનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરકારે જેમણે હાઇવેનું કામ સોંપ્યું છે તે જયહિન્દ બિલ્ડકોન કંપનીના કોન્ટ્રાકટર દ્વારા લાખો રૂપિયાની ખનીજ ચોરી આચરી સરકારી તીજોરીને ચુનો લગાડવામાં આવતાં તંત્ર પણ ચોંકી ઉઠયું છે.

આ અંગે મળતી માહિતી મુજબ ખંભાળીયાના હરીપર ગામ નજીક આવેલા તળાવમાંથી મોટાપાયે મોરમનું ખનન કરવામાં આવી રહ્યાની જાણ તંત્રને થતાં પ્રાંત અધિકારી પ્રશાંત માંગુડા તથા ખાણખનીજ વિભાગના ઇન્ચાર્જ ભુસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ટીમના હર્ષદ પ્રજાપીત તથા રમેશ ગલસાણીયા સહિતનાએ તપાસ કરતાં તળાવમાંથી મોટા પાયે મોરમનું ખનન કરી ત્યાં હાજર પડેલા ટ્રક-ડમ્પરમાં ભરી પરિવહન કરવામાં આવતું હોવાનું જોવા મળતાં ચેકીંગ ટીમે તેને રોકી તપાસ કરતાં મોરમ કાઢવા અંગેની કોઇપણ જાતની મંજુરી ન હોવાનું ખુલતાં સ્થળ પરથી ૮૦ર૯ મેટ્રીક ટન ગેરકાયદેસર ખનન કરવામાં આવેલ મોરમ જેની કિં. રૂ. અંદા. રપ લાખ તથા ખોદકામ માટેનું એકસકેવેટર, સાત જેટલા ટ્રક અને ડમ્પર મળી આવતાં કુલ રૂ. ૧.પ૦ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

વાહનોની માલિકી અંગે તપાસ હાથ ધરતાં સાત વાહનો પૈકીના પાંચ ટ્રક અને એકસવેટર કોન્ટ્રાકટ કંપની જયહિન્દ બિલ્ડકોન પ્રા. લી.ના તેમજ એક ડમ્પર જિલ્લાના રાજકીય અગ્રણીના કૌટુંબિક ભાઇ ખીમાણંદ નાથાભાઇ ભાનનું હોવાનું ખૂલતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોટીસ આપ્યા બાદ માંડવણની  રકમ નહી ભરે તો ફરીયાદ કરાશે

લાખો રૂપિયાની ઝડપાયેલી ખનીજ ચોરી રોયલ્ટી સહિતની રકમ સાથે કેટલાક રૂપિયાની થાય છે તે અંગે વેલ્યુએશન કરી તે રકમ ભરપાઇ કરવા માટે કોન્ટ્રાકટર તથા ટ્રક માલિકને નોટીસ આપવામાં આવશે નિયત સમય મર્યાદામાં રકમની ભરપાઇ કરવામાં નહી આવે તો પોલીસ ફરીયાદની કાર્યવાહી કરવા ઇન્ચાર્જ ભુસ્તશાસ્ત્રીએ વાતચીત દરમિયાન જણાવ્યું છે.

સરકારનંુ જ કામ અને સરકારને જ ચુનો ?

ખંભાળીયા-દ્વારકા હાઇવેનું કરોડો રૂપીયાનું કામ સરકાર દ્વારા જયહિન્દ બિલ્ડકોન પ્રા. લી. કંપનીને આપવામાં આવ્યું છે. તે જ કંપનીના કોન્ટ્રાકટર દ્વારા સરકારી રોયલ્ટી ન ભરવી પડે તે માટે હાઇવેના બુરાણ માટે ગેરકાયદેસર રીતે મોરમનું ખનન કરી ત્યાં ઠાલવવામાં આવતું હતું આ  પરથી લાગી રહયું છે કે, જે કંપનીને હાઇવે બનાવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. તે જયહિન્દ બિલ્ડકોન કંપનીના કોન્ટ્રાકટર  જ સરકારને ચુનો લગાવી રહયા હોય તો હાઇવેનું કામ પણ કેટલી હદે ટકાઉ થયું હશે તે આ પરથી જાણી શકાય છે.

કોન્ટ્રાકટ કંપનીને જવાબદાર ગણાવી  બ્લેકલીસ્ટ કરવી જોઇએ

ખંભાળીયા - દ્વારકા હાઇવેનું કામ જયહિન્દ બિલ્ડકોન પ્રા. લિ. ને આપવામાં આવ્યું છે તેમના જ કોન્ટ્રાકટર દ્વારા આ પ્રકારની લાખો રૂપિયાની ગેરકાયદેસર માટી ચોરી કરતા ઝડપાઇ અને સરકારની તિજોરીને આર્થીક નુકશાન પહોંચાડેલ હોય તો કોન્ટ્રાકટ કંપનીને પણ જવાબદાર ગણી બ્લેકલીસ્ટ કરી જરૂરી કાર્યવાહી કરવી એટલી જ જરૂરી છે. 

(3:18 pm IST)