Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

જયેશ પટેલ કે કોઇપણ અસામાજીકો સાથે મારો કોઇ સબંધ નથીઃ હકુભા

જામનગરમાં સવારે યોજાયેલ પત્રકાર પરિષદઃ અન્ન પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાની સામે થયેલા જાહેર આક્ષેપોને નકાર્યા : ગુનાખોરી સાથે એક મંત્રી તરીકે પોતાને જોડયાનો આક્ષેપ બાદ પોતાની સામે ફરીયાદ કરવા ધારાસભ્યનો પડકાર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.ર૬: અન્ન અને નાગરીક પુરવઠા ખાતાના રાજયમંત્રી તરીકે હોદો સંભાળ્યા બાદ કે તે પછી તે પહેલા મારી રાજકીય કારકિર્દી સ્વચ્છ અને નિશકલંક રહી છે એ આખુ જામનગર અને ગુજરાત જાણે છે. ભાજપને અને મારી વ્યકિગત રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના રાજકીય ઇર્ષાથી પ્રેરીત મારી સામે પાયા વગરના આક્ષેપો કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહયા છે તેવું મને લાગે છે. જે આક્ષેપો થયા છે. તેમાં જરા પણ તથ્ય નથી અને જયેશ પટેલ કે કોઇપણ અસામાજીક તત્વો સાથે મારે કોઇ પ્રકારના સંબંધ નથી આમ છતાં કોઇપણ પ્રકારના આધાર પુરાવા વગર અસામાજીક તત્વો જેવા અપરાધી સાથે મારૂ નામ જોડી રાજકીય રીતે મને બદનામ કરવાનો આ એક હીન પ્રયાસ છે. તેમ આજે સવારે પત્રકાર પરિષદમાં ધારાસભ્ય શ્રી હકુભાએ જણાવ્યુ હતુ.

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં કહેલ કે વિજયભાઇ રૂપાણી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  ભાજપના મવડી મંડળને પણ આ પાયા વિહોણા આક્ષેપો સામે તપાસની માંગણી મે સામેથી કરેલ છે. જેનાથી દુધનુ દુધ અને પાણીનું પાણી થાય. એ મારી અને ભારતીય જનતા પાર્ટી માટે ખુબ જરૂરી છે અને આક્ષેપો મારી સામે સાબીત થાય તો મારી સામે પણ પગલા લેેવા જોઇએ અને એ માટે હું તૈયાર છુ, નહી તો આની પાછળ જે કોઇ જોડાયેલ હોય તેની સામે પગલા લેવા જોઇએ અને જનતા સમક્ષ ખુલ્લા કરવા જોઇએ.

વીસ વર્ષની રાજકીય કારકિર્દી સ્વચ્છ રહી છે મે કોઇ દાગ લાગવા દીધો નથી અને મારા પરિવારના જો કોઇ વ્યાપાર ધંધા છે, તે ધંધો કરવા કોઇ અપરાધ નથી  પણ તેમાં જો કોઇ ગેરકાયદેસર હોય તો તેના આધાર પુરાવા આપવા જોઇએ અને ફરીયાદ પણ કરવી જોઇએ. હુ તમામના જવાબ આપવા તૈયાર છુ કોઇપણ આવુ પુરવાર કરે તેના માટે કોઇપણ સજા ભોગવવા તૈયાર છુ.

મંત્રીશ્રી હકુભાએ આજે બોલાવેલ આ પરિષદમાં જણાવ્યું કે જયેશ  પટેલ કે કોઇપણ અસામાજીક તત્વોની ગુનાખોરી સાથે એક મંત્રી તરીકે મને જોડયો છે અને આક્ષેપો કર્યા છે તે આધાર પુરાવા સાથે મારી સામે ફરીયાદ કરે.

માફીયાઓ અને ગુંડા તત્વ સાથે મારી સાંઠગાંઠની જે પાયા વિહોણી વાત કરવામાં આવી રહી છે તેનો હું એક લીટીમાં એટલો જ જવાબ આપવા માંગુ છુ કે આવા કોઇ પણ અસામાજીક તત્વો સાથે મારો કોઇ સંબંધ હતો નહી અને છે પણ નહીં.

પુરાવાઓના આધારે સરકારી ડીપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે ફરીયાદ કરીને તપાસ કરાવે કે જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાય.

કેટલાક હિતશત્રુઓ રાજકીય રીતે પછાડીદેવા પાછળ રમત રમી રહયા હોઇ તો તેની પણ તપાસ થવી જોઇએ. કોઇને ઇર્ષા કે દ્રેષ થતો હોય અને મારી રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવા ગુંડા તત્વો સાથે મારૂ નામ જોડાવાના પ્રયાસ કર્યા છે. પરંતુ સત્ય એ સત્ય જ રહેવાનું છે અને કોઇપણ ષડયંત્ર સફળ થશે નહીં અને આ પ્રજા સમક્ષ ખુલ્લુ થવું જોઇએ.

મારી સામે થયેલા કોઇપણ પ્રકારના આક્ષેપોની તપાસની માંગણી સામેથી જ કરેલ છે. તેવી વાત પત્રકારો સમક્ષ ધારાસભ્ય જાડેજાએ ફરી વાર ઉચ્ચારી હતી.

મંત્રીશ્રી જાડેજાએ પત્રકારો સમક્ષ વધુમાં ઉમેર્યુ હતું કે, રવિરાજ કંસ્ટ્રકશન કંપનીની  સ્થાપના ૧૯૯પ માં કરવામાં આવેલ. આ કંપનીની સ્થાપના સમયે કોઇ પોલીટીકલ જોડાણ ન હતુ ત્યારબાદ ર૦૦૭ માં તેને રવિરાજ ઇન્ફ્રાપ્રોજેકટ પ્રાઇવેટ લીમીટેડ ના નામે કરવામાં આવી તે સમયે ડાયરેકટર તરીકે મારૂ અને મારા પત્નિનું નામ રાખવામાં આવેલ જે મે સરકારના મંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ કંપનીના ડાયરેકટરના હોદા પરથી રાજીનામું આપેલ. આજે આ કંપની જે કોઇ કામના કોન્ટ્રાકટ રાખે છે તે તેની સક્ષમતાના આધારે રાખે છે.

આ તકે જમીન પચાવી પાડવા બાબતનો આક્ષેપ થયો છે તે

તદન ખોટો અને પાયા વિહોણો છે. જો આ બાબતે કોઇ આધાર પુરાવા હોય તો રજૂ કરવા આહવાન છે.

પાવરીકા વિન્ડ કંપનીને જમીન અપાવવા પોતાના પોલીટીકલ પાવરનો ઉપયોગ કર્યો છે તેવો આક્ષેપ પણ ખોટો છે કેમ કેમ, પાવરીકા કંપનીના કામની શરૂઆત જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વર્ષ ર૦૧૩ માં થેલ અમારી કંપની પાવરીકા કંપનીના માત્ર સિવીલ કામો વર્ષ ર૦૧પ થી કરે છે. આ કંપનીને પવન ચકકીઓ ઉભી કરવા બાબતે ગુજરાત સરકાર સાથે એમ. ઓ. યુ. થયેલ છે અને તેના માટેની સરકારી ખરાબાની જમીનો કલેકટરશ્રી-સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ છે.

જીઇટીસીઓ ના મોટા ભાગના ૬૬ કે. વી. અને ૧૩ર કે. વી.ના કોન્ટ્રાકટો મંત્રીના પરિવાર પાસે છે તેવો આક્ષેપ થયો છે તે વાત તદન ખોટી છે કારણ કે કંપનીના સ્થાપના વર્ષ ૧૯૯પ થી આજ દિન સુધી જીઇટીસીઓ ના કોઇપણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અથવા પેટા કામ તરીકે પણ કરેલ નથી તથા અમારા પારિવારીક સભ્યો દ્વારા પણ કરવામાં આવેલ નથી. જીઇટીસીઓ એ ગુજરાત સરકારશ્રીનું જ એક સાહસ હોઇ, તેમાંથી પણ આ બાબતે માહીતી મંગાવી ચેક કરી શકે છે.

રીલાયન્સ-એસ્સાર કંપનીને ડરાવી ધમકાવી કામના કોન્ટ્રાકટ લે છે. આ વાત તદન ખોટી છે. જો કોઇ કંપનીને ડરાવ્યા હોય કે ધમકાવ્યા હોય કોઇ પણ ફરીયાદ કરેલી હોય તો તેની વિગતો આપવી જોઇએ.

રેતીનું ખનન ગેરકાયદેસર થયા છે તે વાત પાયા વિહોણી છે.

સૌરાષ્ટ્રના ઇંટોના ભઠ્ઠા મંત્રીના ભાઇ પાસે છે અને બિલ્ડરોને ધમકાવીને ઇંટો આપે છે એવો પરિવાર પર ખોટો આક્ષેપ થયો છે. હકીકતમાં અમારા ભાઇ પાસે માત્ર જામનગર જિલ્લામાં ૧૯૯૭થી બિલ્ડીંગ મટીરીયલના સપ્લાય તરીકે ટ્રેડીંગનો ધંધો છે. આજની તારીખે કોઇ જ ઇંટોના ભઠ્ઠા ધરાવતા નથી. જો કોઇ બિલ્ડરને ધમકી આપવામાં આવી હોય તો તેની વિગતો જાહેર કરો.

કોલસાના ટેન્ડર ધાક ધમકીથી લે છે. મુખ્ય સુત્રધાર મંત્રીના ભાઇ છે એવો પાયા વગરનો બદનક્ષીજનક આરોપ છે કેમ કે ભાઇશ્રી કોલસાના ધંધામાં જોડાયેલ નથી ત્યારે કઇ કંપનીમાં ધમકી આપીને કોલસાના ટેન્ડરો મેળવ્યા તેની વિગતો આપવી જોઇએ.

ઘડી ડીટર્જન્ટ, કેઇર્ન ઇન્ડીયા, ટાટા કેમિકલ્સ કંપનીમાં દબાણપૂર્વક કામ આંચકી લેવામાં આવે છે. તેવી વાત પણ કરાઇ છે.

આ કંપનીઓમાં પરિવાર દ્વારા કંપનીમાં કોઇ જ કામ કરવામાં આવેલ નથી તેમ શ્રી હકુભાએ અંતમાં જણાવેલ હતું.

(1:13 pm IST)