Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

જૂનાણામાં જાવું કે, દામોદરકુંડમાં નાવુ, એ હાલ તને સૌરાષ્‍ટ્ર બતાવું...

આઝાદીના અમૃત મહોત્‍સવ સાંસ્‍કૃતિક અમૃતયાત્રામાં સંગીતકાર, કલાકારોએ દેશભકિતના સુર રેલાવ્‍યા : ગાયક પાર્થિવ ગોહિલ, સાંત્‍વની ત્રિવેદીના કંઠના કામણે સંગીત પ્રેમીઓને ઘેલુ લગાડયુ : કલાકારોના ગીતો સાથે જૂનાગઢવાસીઓ ગરબે ઘૂમ્‍યા

(વિનુ જોષી દ્વારાા જૂનાગઢ તા.૨૫ જૂનાણામાં જાવું કે,દામોદરકુંડમાં નાવું એ હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું...ઓ રાજ મને લાગ્‍યો કસુંબીનો રંગ જેવી રચનાઓ દ્વારા જાણીતા કલાકારોએ આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત યોજાયેલ સાંસ્‍કૃતિક અમૃત યાત્રા કાર્યક્રમમાં દેશભક્‍તિના સુર રેલાવ્‍યા હતા. સાથે જ દેશને મહામુલી આઝાદી સાથે જોડાયેલ પ્રસંગોને પણ રજૂ કરી જૂનાગઢવાસીઓને દેશભકિતમાં  ભાવવિભોર  કર્યા હતા.

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આઝાદીની અમૃત યાત્રા શીર્ષક હેઠળ પાર્શ્વ ગાયક પાર્થિવ ગોહિલ,સાંત્‍વની ત્રિવેદી,બહાદુર ગઢવી,પરીન્‍દા જાનીએ વિવિધ રચનાઓ દ્વારા જૂનાગઢના સંગીતપ્રેમીઓને રસતરબોળ કર્યા હતા. સાથે જ  કલાકારો દ્વારા  આઝાદી સાથે જોડાયેલા પ્રસંગો પર આધારીત અદ્દભુત મલ્‍ટી મીડિયા શો નિહાળી જૂનાગઢવાસીઓ અભિભુત બન્‍યા હતા. જૂનાગઢની રાધા મહેતાએ જૂનાગઢ મુક્‍તિ દિન ઘટના રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન જાણીતા લોકસાહિત્‍યકાર ડો.રણજીત વાંકે કર્યું હતું.

કાર્યક્રમમાં જૂનાગઢ મનપા મેયર શ્રીમતી ગીતાબેન પરમાર,સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા, પૂર્વ મેયર ધીરૂભાઇ ગોહેલ, આદ્યાશક્‍તિબેન મજમુદાર, જયોતિબેન વાછાણી, કોર્પોરેટરો, અગ્રણીઓ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે,ᅠવડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેત્તૃત્‍વમાં દેશની આઝાદીના ૭૫ વર્ષ આઝાદી કા અમૃત મહોત્‍સવની રાષ્ટ્ર વ્‍યાપી ઉજવણી કરવામાં આવી રહી  છે.

(1:02 pm IST)